તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
બેઠો પુલ બંધ થવાના કારણે મોરબીના પાડા પુલ, મયુરબ્રીજ સહિત શહેરમાં ઠેરઠેર વાહનોના થપ્પા ! ટ્રાફિક જામમાં અનેક લોકો અટવાયા
સવારે કામે જતા લોકો અને એમ્યુલન્સ માટે એક કલાક બેઠો પુલ ખોલવાની ફરજ પડી : પાડા પુલ, વીસી ફાટક સહિતના રસ્તાઓ પર ટ્રાફિક જામ : ગાંધી ચોકથી પુલ સુધી ટ્રાફિક

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૪: મોરબીના બેઠો પુલ બંધ કરવાના કારણે ટ્રાફિક પાડાપુલ (મયુરપુલ) પર ડાયવર્ટ કરાતાં આજે સવારથી જ ભારે ટ્રાફિક સર્જાયો છે. પાડા પુલ પર લોકો એક કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા છે. છેક ગાંધી ચોકથી લઈને પુલ સુધી વાહનોની લાઈન લાગી છે.
મહત્વનું છે કે, ગઈકાલે ૧૨ મેના રોજ મોરબીના મચ્છુ ડેમના ગેટના સમારકામ માટે ડેમ ખાલી કરવાનો હોવાથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે મોરબીનો બેઠો પુલ વાહનોની અવર-જવર માટે બંધ કરી દેવાયો છે અને ટ્રાફિક પાડાપુલ (મયુરપુલ) પર ડાયવર્ટ કરાયો છે. જેના કારણે આજે સોમવારે સવારે બજાર ખુલતાની સાથે જ ટ્રાફિક જામ સર્જાયો છે. પાડાપુલ, વીસી ફાટક અને બજારમાં ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. સવારે ધંધા-રોજગાર માટે જઈ રહેલા લોકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવું પડ્યું છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ અસહ્ય ગરમી અને બીજી તરફ પાડાપુલ પર વાહનોના થપ્પા લાગી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. રેલવે સ્ટેશનથી જુના બસ સ્ટેન્ડ સુધી પણ છેલ્લા ૧ કલાકથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. વીસી ફાટકે પણ ભારે ટ્રાફિક સર્જાયો છે. જેના કારણે લોકોને વ્યવસાય અને રોજગાર પર પહોંચવામાં વિલંબ થયો છે. ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક જામ દૂર કરવામાં પરસેવો વળી ગયો છે.
સવારે કામે જતા લોકો અને એમ્યુલન્સ માટે એક કલાક બેઠો પુલ ખોલવાની ફરજ પડી.
મચ્છુ નદીમાં પાણી છોડવાને કારણે ત્રણ- ત્રણ દિવસ સુધી બેઠો પુલ બંધ થતાં પોલીસ, પબ્લિક હેરાન, ચાર કલાકથી રસ્તાઓ જામ થતા અફડાતફડી.
મોરબીના મચ્છુ-૨ ડેમના પાંચ દરવાજા બદલવા માટે રવિવારથી ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યા બાદ મોરબીની ધોરી નસ સમાન બેઠો પુલ બંધ કરી દેવાતા આજે સોમવારે સવારથી જ ટ્રાફિકજામ સર્જાતા અફડાતફડીનો માહોલ છવાયો છે. જ્યારે ટ્રાફિક જામના પગલે પોલીસ દ્વારા સવારે એક કલાક માટે બેઠો પુલ ખોલવાની પણ ફરજ પડી હતી.
મોરબીમાં મચ્છુ નદીમાં પાણી છોડવાને કારણે ત્રણ દિવસ સુધી મયુર પુલ નીચેનો બેઠો પુલ બંધ કરવામાં આવતા મોરબીની ધોરી નસ સમાન સામાકાંઠા વિસ્તાર અળગો પડી ગયો હોય તેમ ચાર કલાકથી ટ્રાફિક જામ સર્જાતા સિરામિક ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને રાહદારીઓ અકળાઈ ઉઠ્યા હતા અને સતત ત્રણ દિવસ આ સ્થિતિમાં કેમ પસાર થવું તેવો સવાલ ઉઠાવી રહ્યા છે.
બીજી તરફ વિકરાળ ટ્રાફિક સમસ્યા મામલે મોરબી ટ્રાફિક પીએસઆઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આવું કેમ ચાલે તંત્ર ધીમી ગતિએ પાણી છોડી રહ્યું છે જેને કારણે સવારથી જ ટ્રાફિક જામ સર્જાયો છે, હાલમાં પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના ૧૫થી ૨૦ જેટલા કર્મચારીઓ સતત ટ્રાફિક ક્લિયર કરાવવા માટે મહેનત કરી રહ્યા છે છતાં સમસ્યા સુલજાવાને બદલે વધુ ઉલજાઈ હોવાનો સ્વીકાર કર્યો હતો.
ટ્રાફિક જામમા ફસાયેલ મિતેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ઘેરથી ઓફીસ જવા રાબેતા મુજબના સમય કરતાં અડધો કલાક વહેલો ઘેરથી નીકળ્યો છતાં પણ બાઈક લઈને પણ ઓફીસ સુધી પહોંચવામાં દોઢથી બે કલાકથી ફસાયો છું, હવે શું કરવું એ ખબર પડતી નથી, મિતેશભાઈની જેમ જ ટ્રાફિકમાં ફસાયેલ પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે, મારી કાર દોઢેક કલાકથી ટ્રાફિકમાં ફસાઈ છે હવે આમાંથી કયારે છુટકારો મળે તે કહેવું મુશ્કેલ છે.
દાઝી ગયેલ યુવતી સાથેની એમ્બ્યુલન્સ બેઠા પુલ ઉપરથી પસાર કરવી પડી
મોરબીના સામાકાંઠા અને જૂના મોરબીને જોડતા માર્ગ ઉપર બેઠો પુલ બંધ થવાથી રેલવે સ્ટેશન રોડ, ગેસ્ટહાઉસ રોડ સહિતના તમામ રસ્તા પેક થઈ જતા સામાકાંઠા વિસ્તારમાં દાઝી ગયેલ એક યુવતીને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતા પોલીસે યુવતીની જિંદગી બચાવવા માટે બેઠા પુલ ઉપરથી એમ્બ્યુલન્સને પસાર થવા દીધી હતી.
વારંવાર બંધ થતું નટરાજ ફાટક ટ્રાફિકજામમાં ઉમેરો કર્યો
મોરબીમાં સવારથી અફડા તફડીના માહોલમાં ચાર કલાકથી વધુ સમયથી ટ્રાફિકજામ સર્જાયો હતો અને ટ્રાફિક જામ સર્જાવા પાછળ વારંવાર બંધ થતું નટરાજ ફાટક જવાબદાર હોવાનું પણ ટ્રાફિક પીએસઆઈ ઠક્કરે જણાવ્યું હતું
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
