તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
પોરબંદર જિલ્લામાં મોઢાના કેન્સર કેસમાં વધારો
જિલ્લામાંથી દરરોજ ૧૦ લોકો કેન્સરની બીમારીની સારવાર કરવા અમદાવાદ જાય છેઃ નાની ઉમરથી પાન-માવા-ગુટકા-સિગારેટ-દારૂના વ્યસનો યુવાનીમાં કેન્સરનું સ્વરૂપ પકડે છેઃ રામદેવભાઇ મોઢવાડિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪ : જીલ્લામાં મોઢાના કેન્સરના પ્રમાણમાં ભરખમ વધારો થતો જાય છે. દરરોજ ૧૦ લોકો કેન્સરની બિમારીને લીધે સારવાર અર્થે અમદાવાદ જતા હેલ્થ હોવાનું એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,વધતું જતું વ્યસનનું પ્રમાણ કેન્સર જેવા રોગને નોતરે છે.જેમાં યુવાપેઢી પણ બરબાદ થઇ રહી છે.કેન્સરને લીધે આર્થિક સામાજિક અને શારીરિક નુકશાનનું પરિવારે ભોગ બનવું પડે છે.પોરબંદરથી સરેરાશ દરરોજ ૧૦ લોકો અમદાવાદની કેન્સર હોસ્પીટલે સારવારઅર્થે જતા હોય છે.
કેન્સરએ કોઇ એક જ બીમારી નથી,પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમુહ છે.કેન્સર ૧૦૦ કરતા પણ વધારે પ્રકારનું હોય છે.મોટાભાગના કેન્સરનું નામ કયા અંગ અથવા કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે તેનાં પરથી હોય છે. દા.ત. મોટા આંતરડાના મોટાભાગથી શરૂ થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહે છે અને ચામડીના પાયાના કોષોથી જે કેન્સરની શરૂઆત થઇ હોય તેને ચામડીનું કેન્સર કહેવામાં આવે છે.કેન્સર શબ્દએ બીમારી માટે વાપરવામાં આવે છે જેમાં અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે.કેન્સરના કોષો લોહી અને લસિકાતંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
કેન્સરના મુખ્ય પ્રકારમાં ૧) કાર્સીનોમાં કેન્સર કે જેની શરૂઆત ચામડી અથવા તેના કોષોમાં થાય છે અથવા તે અંદરના અંગોને આવરી લે છે.
૨)સાકોમા કેન્સર કે જેની શરૂઆત હાડકાં, કાર્ટિલેજ,ચરબી તાાયુ,લોહી નળીઓ અથવા અન્ય જોડતાં અથવા સહાયક કોષોમાં થાય છે.
૩) લ્યુકોમિયા- કેન્સર કે જેની શરૂઆત લોહી બનાવતાં કોષો જેવાં કે બોર્નમેરોથી થાય છે અને તેનાથી મોટી સંખ્યામાં અસામાન્ય લોહીના કોષો પેદા થાય છે અને લોહીમાં પ્રવેશે છે.
૪)લીમ્ફોમા અને માઇલોમાઃ કેન્સર કે જેની શરૂઆત રોગ પ્રતિકારક તંત્રના કોષોમાં થાય છે.
૫) સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ કેન્સર- કેન્સર કે જેની શરૂઆત મગજ અને કરોડરજ્જુના બારીક કોષોમાં થાય છે.
કેન્સરનું મુળ ઉદભવસ્થાન- તમામ પ્રકારના કેન્સરની શરૂઆત કોષોથી થાય છે કે જે જીવનનો પાયાનો એકમ છે. કેન્સરને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે જયારે સામાન્ય કોષો કેન્સરના કોષો બની જાય છે ત્યારે શું થાય છે.આપણું શરીર ઘણાં બધાં કોષોનું બનેલું હોય છે. વધારે કોષોને પેદા કરવા માટે આવા કોષો વળધ્ધિ પામતાં રહે છે અને તેનું નિયંત્રીતપણે વિભાજન થતું રહે છે કારણ કે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આમ થવું જરૂરી છે.જયારે કોષો જૂના થઇ જાય અથવા તેને કોઇ જાતની ઈજા પહોંચે ત્યારે આવા કોષો મરી જાય છે અને તેની જગ્યાએ નવા કોષો પેદા થાય છે.જો કે ઘણીવાર આવી કોષોની વ્યવસ્થિતપણે થતી પ્રક્રિયા ખોટવાઇ જાય છે.
જયારે કોષોના જૈવિક તત્વો (ડી.એન.એ)ને કોઈ જાતની ઈજા પહોંચે અથવા તેમાં બદલાવ આવે ત્યારે તે મ્યુટેશન્સ પેદા કરે છે.જેની અસર કોષોની સામાન્ય વળધ્ધિ અને વિભાજન પર પડે છે. જયારે આવું થાય છે ત્યારે કોષો મરતાં નથી કે જયારે તેમણે મરવું જોઇએ અને તેની જગ્યાએ શરીરને જરૂર નથી હોતી તો પણ નવા કોષો બને છે.આવા વધારાના કોષો મળીને કોષોનો જાળીદાર સમુહ બનાવે છે જેને ગાંઠ કહેવામાં આવે છે, જો કે બધી જ ગાંઠ કેન્સરની નથી હોતી. આવી ગાંઠ સાદી કે કેન્સરની કોઈપણ હોઈ શકે.
કેન્સર વગરની સાદી ગાંઠ આ કેન્સરની ગાંઠ નથી હોતી. આને ઓપરેશન દ્વારા કઢાવી શકાય છે અને મોટાભાગના કેસમાં તે ફરીથી થતી નથી. આવી સાદી ગાંઠના કોષો શરીરના અન્ય ભાગમાં ફેલાતા નથી.
મલીગન્ટ ટયુમર ( કેન્સરની ગાંઠ) જે કેન્સરની હોય છે.આવી ગાંઠના કોષો નજીકના કોષોના જાળાં - ટીસ્યુઓ પર હુમલો કરે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે જયારે કેન્સર શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાય છે.ત્યારે તેને મેટાસ્ટાટીસ કહેવામાં આવે છે.લ્યૂકોમિયાએ બોર્નમેરો અને લોહીમાં થતું કેન્સર છે. તે ગાંઠથી થતું નથી.
કેન્સરના લક્ષણોમાં સ્તન અથવા શરીરના અન્ય ભાગમાં ગાંઠ થવી અથવા તે ભાગ જાડો થઇ જવો.નવા તલ કે મસા થવાં. જે તલ કે મસા શરીર પર હોય તેમાં બદલાવ આવવો.ગળું બસી જવું અથવા કફ થવો કે જે મટતો ન હોય.સંડાસ અને પેશાબ કરવાની આદતમાં બદલાવ આવવો.જમ્યા પછી અસ્વસ્થતા લાગવી.ખોરાક ગળેથી નીચે ઉતારવામાં ખુબ તકલીફ થવી.કોઇપણ જાતના કારણ વગર શરીરનું વધવું અથવા ઘટવું.અસામાન્યપણે લોહીનું પડવું /ષાાવ નીકળવો.ખુબ જ નબળાઇ લાગવી કે થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે.સામાન્ય રીતે શરૂઆતના કેન્સરમાં દુઃખાવો થતો નથી જો તમને તેના લક્ષણો દેખાતા હોય તો તેનો દુઃખાવો થવાની રાહ જોયા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
