<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

કચ્છમાંથી ગુમ થયેલા બે બાળકો ભિખમંગા ગેંગ પાસેથી મળ્યા

માતા પિતાએ ભિખારી બની ચાર મહિના રઝળપાટ કરી શોધ્યા, એક બાળક કોલકત્તા અને એક રાજસ્થાનથી મળ્યો

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :  સ્હેજ વિચારો આપના માસૂમ વ્હાલસોયા બાળકો ગુમ થઈ જાય તો? આ કલ્પના થથરાવી મૂકે તેવી છે. ત્યારે એ દંપતી ઉપર શું વીતી હશે જેના એક સાથે બબ્બે બાળકો ગુમ થઈ ગયા હોય? કચ્છના મુન્દ્રામાં રહી પેટિયું રળતાં જયકિશન સહાની અને સુમનદેવીના ૧૪ અને ૧૧ વર્ષના બે સંતાનો ગત ૧૫ જાન્યુ. ૨૦૨૪ના ઘેરથી રમવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. મુન્દ્રા પોલીસમાં બાળકોના અપહરણનો ગુનો નોંધાવી બન્ને પતિ પત્ની એ બાળકોને શોધવા કવાયત શરૂ કરી હતી. વિવિધ પોલીસ સ્ટેશને ફોટા મોકલાવ્યા હતા. અંતે બન્ને પતિ પત્ની ભિખારી બન્યા હતા. અંતે ભારે રઝળપાટ બાદ એક બાળક કોલકતા હાવડા થી તેમ જ એક બાળક બિકાનેર રાજસ્થાનથી મળી આવ્યો હતો. સતત ચાર મહિના સુધી પતિ પત્ની બન્ને એ બાળકોને શોધવા વિવિધ શહેરોમાં ફર્યા હતા ભિક્ષુક બની ભીખ માંગી હતી. એ રીતે અત્તો પત્તો મેળવી તેઓ પોતાના સંતાનો સુધી.પહોંચ્યા. ૧૫ જાન્યુ. થી મે મહિના સુધી ચાર મહિના સુધી તેમણે કરેલી રઝળપાટ અંતે ફળી હતી. આ સમગ્ર બનાવમાં તેમને મુન્દ્રા પીઆઈ જે.વી. ધોળા અને ઝીરો પોઈન્ટ પોલીસ ચોકીના જમાદાર જયેન્દ્રસિંહ ઝાલાનો સહયોગ મળ્યો હતો. જોકે, પોલીસ અત્યારે પતિ પત્ની ની વાતોની ખરાઈ કરી રહી છે. બન્ને બાળકો જાતે નાસી છૂટ્યા હતા કે કોઈ ઉઠાવી ગયું હતું. કોઈ ભીખમંગા ગેંગ અહીં સક્રિય છે કે શું? એ તમામ બાબતો પોલીસ ચકાસી રહી છે. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(9:22 AM IST)