News of Thursday, 16th May 2024
કાલે ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ.મુકતાનંદજીબાપુનો ૬૬મો પ્રાગટયોત્સવ ઉજવાશે
ગુજરાત-મધ્ય પ્રદેશ-પંજાબ ઉત્તરાખંડ સહિતના રાજયોમાં વિવિધ જગ્યાએ ૭૧ રકતદાન કેમ્પ, ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ સાથે લોકસેવા દિવસ તરીકે સેવકો દ્વારા ઉજવણી કરાશે, ચાપરડા નવનિર્મીત ગૌશાળામાં યજ્ઞ દેહદાન ચક્ષુદાનના સંકલ્પો લેવડાવાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :.. વિસાવદર નજીક આવેલ ચાંપરડા સુરેવધામ આશ્રમના મહંત અને બ્રહ્માનંદ શૈક્ષણીક સંકુલના સંસ્થાપક અને શ્રી પંચ અગ્નિ અખાડાના સભાપતી તેમજ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુકતાનંદજી મહારાજનો આવતીકાલે ૬૬ માં પ્રગટયોત્સવની સેવક સમુદાય દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે.
તા. ૧૭-પ-૧૯પ૯ ના રોજ વિસાવદર ખાતે બ્રહ્મ પરિવારમાં જન્મ થયેલ બાળપણમાં વિસાવદર નજીક આવેલ સરસઇ ગામે પ્રાથમિક શિક્ષણ મેળવેલ ત્યારથી જ પૂ. બાપુ સરસઇગઢમાં આવેલ નાગદેવતા મંદિરની પુજા વિધી કરતા.
પૂ. મુકતાનંદબાપુએ ચાંપરડા સુરેવધામ આશ્રમના મહંત પૂ. ભગવતીનંદજી બાપુના સાનિધ્યમાં રહી સેવા સમર્પણ કરી નાની વયે તેર વર્ષની ઉમરમાં ભગવતીનંદબાપુ પાસે દિક્ષા ગ્રહણ કરી સંત અમલનો માર્ગ અપનાવ્યો અને માનવ સેવાની ધુણી ધખાવી.
દિક્ષાગ્રહણ કર્યા બાદ પૂ. બાપુ ચાંપરડાથી ખુલ્લા પગે ચાલી નર્મદા પદયાત્રા પરિક્રમા કરી ત્યારબાદ જામનગર જીલ્લાના ટપકેશ્વર મહાદેવ ખાતે તપ સાધના કરી તેમજ વડવાળા ગામ પાસેના જંગલેશ્વરના સાનિધ્યમાં તેમજ ગિરનારી છત્રછાયામાં પણ તપસ્યા કરેલ.
આશરે પાંચ દાયકા પહેલા પૂ. ભગવતીનંદબાપુ બ્રહ્મલીન થતા પૂ. મુકતાનંદબાપુની ચાપરડા સુરેવધામ આશ્રમના મહંત પદે આરૂઢ થયેલ. ત્યારથી માનવ સેવા એજ પ્રભુ સેવા ચરિતાર્થ કરવા ચાંપરડામાં વિનામૂલ્યે અન્નક્ષેત્ર અને જય અંબે મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પીટલનું નિર્માણ કરી મોટી સીટીમાં મળતી તબીબી સેવાઓ પણ આ હોસ્પીટલમાં ઉપલબ્ધ કરાઇ છે.
છેલ્લા એક દાયકામાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા આ વિસ્તારના હજારો દર્દીઓને વિનામૂલ્યે નિદાન સારવાર આપી રહ્યા છે અને આ જય અંબે હોસ્પીટલ ગરીબ દર્દીઓ માટે આશિર્વાદ રૂપ સાબિત થઇ રહી છે.
આ ઉપરાંત ચાંપરડા ગાંધીનગરના પેથાપુર મેંદરડા સહિતના ગામોમાં તરછોડયેલ વૃધ્ધો માટે વૃધ્ધાશ્રમ વર્ષોથી શરૂ કરવામાં આવ્યા છે ત્યાં વૃધ્ધોને પરિવારની જેમ રાખવામાં આવે છે. પૂ. બાપુ દ્વારા ધાર્મિક સ્થળોએ યાત્રા કરાવે છે. અન્ન-વષા તબીબી સારવાર પણ આપવામાં આવે છે. અને આ વૃધ્ધો પૂ. મુકતાનંદબાપુમાં સાક્ષાત ભગવાનના દર્શન કરે છે અને બાપુને જોવા ત્યાં સીધા તેના ચરણ સ્પર્શ કરવા દોડી જાય છે એ નજરે જોવા મળે છે.
કચ્છમાં આવેલ વિનાશક ભુકપમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ ર૦૦ થી વધુ વિદ્યાર્થીઓને દતક લઇ ભરણ પોષણ અભ્યાસની જવાબદારી પણ બાપુ નિભાવી રહ્યા છે. ઉપરાંત ઉતરાખંડમાં આવેલ ભયાનક-વાવાઝોડામાં લોકોને મકાન બનાવી આપેલ અનાજ કરીયાણાની કીટ-રોકડ સહાય પણ પૂ. બાપુ દ્વારા કરાઇ હતી.
પૂ. બાપુના જન્મોત્સવને લોકસેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર-ગુજરાત- મધ્ય પ્રદેશ, પંજાબ સહિતના રાજયોમાં વિવિધ જગ્યા એ ૭૧ રકતદાન કેમ્પ ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ ૧૦ પર્યાવરણ જાગૃતિ કેમ્પ તથા વિવિધ જગ્યાએ દેહદાન-ચક્ષુદાન સંકલ્પો લેવાશે. તેમજ પુસ્તકો, લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવશે તેમ સંજયભાઇ વઘાસીયાએ જણાવ્યું છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
