News of Thursday, 16th May 2024
સવારથી અસહ્ય ઉકળાટ સાથે આછા વાદળા
ભયાનક પવન સાથે વરસાદ ત્રાટકતા ઉભા પાકનો કચ્ચરઘાણ
ભર ઉનાળે કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કેરી, લીલી નીરણ, બાજરો, તલ, અડદના પાકને ભારે નુકશાન

પ્રથમ અને બીજી તસ્વીરમાં મોટી પાનેલી, ત્રીજી તસ્વીરમાં જામકંડોરણા, ચોથી તસ્વીરમાં વિરપુર(જલારામ), પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી તસ્વીરમાં ગોંડલ અને લોધીકા પંથકમાં તથા નવમી તસ્વીરમાં જામજોધપુરમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : અતુલ ચગ (મોટી પાનેલી), મનસુખ બાલધા (જામકંડોરણા), કિશન મોરબીયા (વિરપુર-જલારામ), ભાવેશ ભોજાણી (ગોંડલ), ભીખુપરી ગોસાઇ (ખીરસરા)
રાજકોટ,તા. ૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇ કાલે સાંજથી મોડી રાત્રી સુધીમાં ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદના ઉભા પાકને ભારે નુકશાન થયુ છે.
ભરઉનાળે કમસોમી વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કેરી, લીલી નીરણ, બાજરો, તલ, અડદ સહિત નાળુ પાકને ભારે નુકશાન થયુ છે.
આજે સવારથી અસહય ઉકળાટ સાથે આછા વાદળા છવાયેલા છે.
ગઇ કાલે રાત્રીના ૮ વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગરના મુળીમાં સૌથી વધુ ૨ ઇંચ, નખત્રાણામાં દોઢ ઇંચઘ કુંકાવાવ, વઢવાણ અને જેતપુરમાં પોણો ઇંચ બાબરા, ડાંગ-આહવા, થાનગઢ, અને લોધિકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વઘઇ, ઉપલેટા, ચોટિલા, ગોંડલ, લાઠી, સાયલા અને જૂનાગઢમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.
મોટી પાનેલી
(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકા ના મોટી પાનેલી તેમજ આજુબાજુ ના ગામો હરિયાસણ સાતવડી ઝાર માંડાસણ વલાસણ બુટાવદર ગામોમાં માવઠા એ ખોફ વર્તાવતા ભયંકર ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબકતા ભારે ખાનાખરાબીના સમાચાર મળી રહ્યા છે આજે સાંજે છ વાગ્યાં બાદ વાતાવરણમાં ગંભીર પલટો આવતા ભારે પવન અને ધૂળની ડમરી ઉડતા ભયંકર આંધી સર્જાયેલ જોતજોતામાં વરસાદ ચાલુ થયેલ જે ભયંકર સ્વરૂપ ધારણ કરતા વીજળીના ડરામણા દ્રશ્ય જોવા મળેલ સાતવડી માંડાસણ ગામમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળેલ છે વળક્ષ ધરાશાયી થયેલ છે લોકોના ઘરના પતરાં નળીયા હવામાં ઉડ્યાના અહેવાલ છે કમોસમી માવઠાથી જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલ તે ખેડૂતોના ઉનાળુ પાક તલ મગ અળદ બાજરી વિગેરે મોલ નો કચ્ચરઘાણ વળી ગયો છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે પશુઓ માટેની નીરણ પણ ફેલ જવાનાં સંકેત છે ભારે પવન અને વરસાદ સાથે વીજળીના ભયંકર કડાકા એ ડરામણા દ્રશ્યો સર્જ્યા હતા વીજળી ના તાર તૂટતાં લાઈટ પણ ગુલ થતા લોકો અસહ્ય બફારા વચ્ચે ઘરમાં પુરાયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન-૨૮.૫ સે., મહતમ તાપમાન ૩૮.૬ સે., ભેજનું પ્રમાણ ૬૩%, પવનની ગતિ ૧૨.૬ કિ.મી. રહી હતી.
જામકંડોરણા
(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણાઃ ગઇ કાલે આખો દિવસ ગરબી અને ઉકળાટ બાદ સાંજના સાત વાગ્યે ગાજવીજ અને પવન સાથે પાકા રસ્તાઓ પર પાણી હાલતા થાય તેવો વરસાદ પડયો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો આ વરસાદથી તલ, બાજરી, મગ જેવા ઉનાળુ ખેતીના પાકોને નુકશાનની ભીતી સેવાઇ રહી છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલીમાં કાલે સાંજે ચાર વાગ્યાથી પવનના ચોર સાથે ધીમીધારે વરસાદ પડયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને રસ્તા પણ ભીના થઇ ગયા હતા.
ગોંડલ
(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૨ ઇંચ વરસાદ હાઇ-વે ઉપર પણ કાલે જોરદાર વરસાદ વરસ્યો હતો.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : માવઠા બાદ ભાવનગરમાં બે દિવસની હીટવેવની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં ગરમીમાં વધારો થયો છે. બફારો પણ વધતા લોકો અકળાય છે. ભાવનગર શહેરનું મહતમ તાપમાન વધીને ૪૦.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૮.૦ ડિગ્રી રહેવા પામ્યુ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણં ૨૩% રહ્યુ હતું જ્યારે પવનની ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાકની રહી છે.
ખીરસરા
(ભીખપુરી ગોસાઇ દ્વારા) ખીરસરાઃ લોધીકા તાલુકાના ખીરસરા (રણમલજી), લોધીકા, વાજડીવડ, ચીભડા, મેટોડા, બાલસર, રાતૈયા, સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો.
જામજોધપુર
જામજોધપુરઃ પંથકમાં બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. અને ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો જામજોધપુર તાલુકાના બુટાવદર, સંગચીરોડા, નરમાણા, બાવરીદડ, સમાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો હતો. અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેને લઇને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. કેટલાક ખેડૂતોના ઉભા પાકને તેમજ તૈયાર રખાયેલા પાકને જથ્થાને નુકશાની થઇ હોવાના અહેવાસો મળી રહ્યા છે.
વિરપુર (જલારામ)
(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ): જગવિખ્યાત યાત્રાધામ એવા વિરપુરમાં પણ આજ સવાર થી ભારે ગરમી બફારો અને ઉકળાટ જોવા મળ્યો હતો ત્યાર બાદ બપોર પછીના સમયે યાત્રાધામ વિરપુરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું ,સાંજે છ વાગ્યા ની આસપાસ જાણે ચોમાસું હોય તેમ આકાશમાં એકાએક કાળા ડીબાંગ વાદળો છવાયા હતા ને ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો,ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો જેમને લઈને ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે વિરપુરના રોડ રસ્તાઓમાં પાણીઓ વહેવા લાગ્યા હતા,કમોસમી વરસાદથી ઉનાળુ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ચીંતાનો વધારો થયો હતો,કમોસમી માવઠાને લઈને ઉનાળુ બાજરી, મગફળી, મગ, તલ, ડુંગળી જેવા પાકોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
