<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં અર્જુનભાઇ મોઢવાડિયાને ભારે લીડ મળવાની ઓછી સંભાવના

અર્જુનભાઇના પક્ષાંતર બાદ જિલ્લો કોંગ્રેસ વિહિન બન્યાનો માત્ર ભ્રમ : ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને જોરદાર ટક્કર ?

 

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ : પોરબંદર વિધાનસભા બેઠકની યોજાઇ ગયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયાને ભારે લીડ મળવાની ઓછી સંભાવના તેમજ અર્જુનભાઇને વિધાનસભા બેઠકમાં ઓછી લીડની શકયતા પાછળ ભાજપ પક્ષના કાર્યકરોમાં અસંતોષ અને ચૂંટણી પ્રચારમાં બેદરકારીની ચર્ચા અંગે માણેક ચોક ઓટલા સમિતિના પ્રમુખ જમનમામાએ લીધેલા લોક પ્રતિભાવો ઉપરથી જણાવ્યું છે.

વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ સામે કોંગ્રેસે જોરદાર ટક્કર આપ્યાની ચર્ચા થઇ રહી છે. ધૂરંધર નેતા અર્જુનભાઇએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે તેમની સાથે બહોળી સંખ્યામાં તેમના ટેકેદારો કોંગ્રેસના આગેવાનો - કાર્યકરો ભાજપમાં જોડાય ગયા હતા ત્યારે પોરબંદર જિલ્લામાંથી કોંગ્રેસનો સફાયો થઇ ગયાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ હકીકત અલગ છે. જિલ્લો કોંગ્રેસ વિહિન બન્યાનો માત્ર ભ્રમ હોવાનું ચૂંટણી પછી જણાય રહ્યું છે. તેમ જમન મામાએ જણાવ્યું છે.

અર્જુનભાઇ ભાજપમાં જોડાયા પછી અર્જુનભાઇનો અગાઉનો કોંગ્રેસ ઉમેદવાર તરીકે જે રીતે પ્રચાર હતો તેવો પ્રચાર નહોતો અને પ્રચારમાં ગરમી નહીં રહ્યાની ચર્ચા છે. અર્જુનભાઇએ ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણીમાં ઝુકાવ્યુ઼ ત્યારે સામે કોંગ્રેસના સબળ ઉમેદવારનો પ્રશ્ન હતો પરંતુ કોંગ્રેસ દ્વારા રાણાવાવના રાજુભાઇ ઓડેદરાને વિધાનસભા પેટા ચૂંટણીની ટીકીટ માટે પસંદગી કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇએ અર્જુનભાઇના મીત્ર હતા.

ચૂંટણી પ્રચારમાં ગરમાવો નહી જણાતા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપ્યાની ચર્ચા છે. જ્યારે વિધાનસભા પેટાચૂંટણી સાથે યોજાયેલી લોકસભાની બેઠકની ચૂંટણીમાં ઓછું મતદાન થતાં 'કાંટે કી ટક્કર'ની સ્થિતિની હોવાની ચર્ચા છે તેમ માણેક ચોક ઓટલા સમિતિના પ્રમુખ જમન મામા અને સભ્યોએ લોકપ્રતિભાવો ઉપરથી તારણ મેળવ્યું છે.

(1:32 PM IST)