<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કચ્છના રણમાં સોલ્ટ માફીયાઓ બેફામ: બંદૂકના ભડાકે થયેલ હત્યાએ સર્જેલ ખળભળાટને પગલે ૧૬ આરોપીઓ સકંજામાં

વન વિભાગે હજી ફરિયાદ નોંધી નથી, ધિંગાણું કરનાર ગુંડા તત્વોના આકાઓ કોણ? કોર્ટ અને સરકારની ઐસીતૈસી અભ્યારણમાં વ્હાઈટ કોલર માફીયાઓનું રાજ, સરકાર અને તંત્ર લાચાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :  કચ્છના ઘુડખર અભ્યારણમાં ૧૭ જણની ગેંગએ મચાવેલ ધિંગાણાંમાં બિહાર યુપી સ્ટાઈલ ગુંડાગીરી જેમ ઘાતક હથિયારો અને બંદૂકના ભડાકે મારધાડ કરવાના પ્રકરણે કચ્છ સહિત રાજ્યભરમાં તંત્ર તેમ જ સરકાર સામે સવાલો સર્જયા છે. આ ધિંગાણામાં ફાયરિંગ દરમ્યાન બંદૂકની ગોળીથી ઘવાયેલ ૩૩ વર્ષીય દિનેશ ખીમજી કોળીનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. અભ્યારણમાં મીઠું પકવવા સામે સરકારી કાયદાઓ ઉપરાંત કોર્ટ દ્વારા પણ અપાયેલા આદેશને ઘોળીને પી જનાર સોલ્ટ માફીયાઓનું જ રાજ ચાલે છે. આ ધિંગાણા એ બહુ જ ડખ્ખો સર્જ્યો અને રાજ્યભરમાં ખળભળાટ થયો એટલે પોલીસ એલર્ટ થઈ. કુલ ૧૭ જણા સામે થયેલ ફરિયાદ બાદ ૧૬ આરોપીઓ સામેથી પોલીસમાં રજૂ થયા હોવાની ચર્ચા છે. પોલીસે ૧૬ આરોપીઓની અટક બતાવી છે ૧ આરોપી હજી ઝડપાયો નથી. સુરેન્દ્રનગર, પાટડીને જોડતા કચ્છના નાના રણના ઘુડખર અભ્યારણમાં હાઈફાઈ ગાડીઓમાં આવતી ગુંડા ટોળકી દ્વારા કરાતા બેફામ હુમલાઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. અભ્યારણના રક્ષણને લઈ આ ગુનો વનતંત્ર હેઠળ પણ આવે છે, વનતંત્ર અલગથી ફરિયાદ નોંધી શકે છે. પરંતુ, સોમવારે થયેલ ધિંગાણા બાદ ચાર દિવસ થયા વનતંત્ર એ હજી ફરિયાદ નોંધી નથી. પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી એ જ બાકી મહેસૂલી તંત્ર પણ અભ્યારણમાં મીઠાના અગરો દ્વારા કરાયેલા દબાણ સામે ચૂપ છે.

(9:38 AM IST)