<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

રાજુલાના ધારાનાનેસના શહિદ વિર રવિરાજભાઇ ધાખડાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

પૂર્વ ધારાસભ્‍ય અંબરીષભાઇ ડેર કાઠી સમાજના આગેવાનો, ગ્રામજનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા તા. ૧૭ : અમરેલી જીલામાં આવેલ રાજુલા તાલુકાના નાનકડા એવા ગામ ધારાનાનેસનો યુવાન રવિરાજ ધાખડા ભારતીય સેનાનો જવાન હતો. જમ્‍મુ-કાશ્‍મીરમાં ફરજ બજાવતો હતો અને ચાલુ ફરજ દરમ્‍યાન બ્‍લડ કેન્‍સર થવાના કારણે દિલ્‍હી હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન તેમને શહીદી વહોરી હતી જેના કારણે આજે તેમનો પાર્થિવ દેહ રાજુલા શહેરમાં પહોંચતા સમગ્ર વેપારીઓ સહિત લોકો શહેર ૨ કલાક સજ્જડ બંધ પાળી વિરને શ્રધાંજલિ આપવા માટે દેશભક્‍તો ઉમટી પડ્‍યા હતા.

કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતો યુવાન હોવાને કારણે મોટી સંખ્‍યામાં ક્ષત્રિય સમાજના લોકો સાથે તમામ જ્ઞાતિના અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્‍થાના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજુલા પૂજાબાપુ ગૌશાળાથી અંતિમયાત્રા શરૂ  થતા રાજુલા શહેરના મુખ્‍યમાર્ગો ઉપર સ્‍વયંભૂ લોકો ઉમટી પડ્‍યા હતા. પ્રથમ વખત રાજુલા શહેરના બાળકોથી લઈ વળદ્ધ સુધીના લોકો વીર જવાનના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી સન્‍માન આપતા જોવા મળ્‍યા હતા. ધારાનાનેસ ગામમાં પહોંચી ભારતીય સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

પરિવારમાં આભ ફાટયા જેવી સ્‍થિતિ રૂદન જોવા મળ્‍યું હતું. પરિવારનો એકનો એક પુત્ર રવીરાજ ધાખડા હતો. આ વર્ષે જ ભાઈ બહેનના લગ્ન થવાના હતા પરંતુ તે પહેલાં જ શહીદી વ્‍હોરી છે ત્‍યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેરએ જણાવ્‍યું રાજુલાના ધારાનાનેસ ગામ એટલે ખોબા જેવડું ગામ છે. કાઠી સમાજના યુવાન સેનાના સૈનિક રવિરાજભાઈ ધાખડા વર્ષોથી કાશ્‍મીરમાં ફરજ બજાવતા હતા તેમના શહીદના સમાચાર મળતા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજુલા શહેરના લોકો સાથે હું આવ્‍યો છું. શહીદી થાય ત્‍યારે સમગ્ર શહેર અને રાજ્‍યમાં દેશમાં સૌને દુઃખ થાય આવનારા સમયમાં જે યુવાનો જવાનો સીમાડા સાચવી રહ્યા છે તેની રક્ષા થાય અને ભગવાનને પ્રાર્થના કરૂં છું એમના ચરણોમાં તેમને સ્‍થાન આપે

(11:00 AM IST)