<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ભાવનગરના મયુરસિંહ ગોહિલ ૬ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

ભાવનગર, રાજકોટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં આવેલ વાડીમાં ઘોઘા પોલીસે દરોડો પાડી ચોરી કરેલ ૬ બાઈક સાથે રીઢા વાહન ચોરને ઝડપી લઇ ભાવનગર અને રાજકોટ શહેરમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્‍યો છે. વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા શખ્‍સ વિરુદ્ધ ભાવનગર શહેર અને રાજકોટમાં ૧૭ જેટલા ગુના નોંધાયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા પોલીસ સ્‍ટેશનની સર્વેલન્‍સ સ્‍કવૉડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે કરેડા ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી મયુરસિંહ બાબભા ઉર્ફે ખોખુભા ગોહિલ ( રહે.કરેડા, તા. ઘોઘા ) ને ચોરી કરેલ ૦૬ બાઈક,( કિં. ૧,૦૫,૦૦૦/) સાથે ઝડપી લઇ તેની પૂછપરછ કરતા તેણે આ બાઈક ભાવનગર, ગાંધીગ્રામ અને રાજકોટ જિલ્લામાંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચોરી કરેલ બાઈક સાથે ઝડપાયેલ શખ્‍સ રીઢો તસ્‍કર હોવાનું ખુલ્‍યું છે અને તેની વિરુદ્ધ ભાવનગરના ભરતનગર અને નીલમબાગ ઉપરાંત રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ૧૭ જેટલા વાહન ચોરીના ગુના નોંધાયા હોવાનું ઘોઘા પોલીસે જણાવ્‍યું હતું.

આ કામગીરીમાં ઘોઘા પોલીસ મથકના સબ ઇન્‍સ્‍પેક્‍ટર બી. કે. ગોસ્‍વામી, સર્વેલન્‍સ સ્‍ક્‍વોડના હેડ કોન્‍સ્‍ટેબલ ભગીરથસિંહ એલ. ગોહિલ, પોલીસ કોન્‍સ્‍ટેબલ અલ્‍પેશભાઈ રણછોડભાઈ ગલસર, અનિલભાઈ હિંમતભાઈ મકવાણા, જયપાલસિંહ, રાહુલભાઈ ધતુરાતર અને મનસુખભાઈ જાંબુચા જોડાયા હતા.

(1:06 PM IST)