<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

જામનગર શહેરમાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે વિજતંત્ર દ્વારા જરૂરી ખુલાસો કરી માર્ગદર્શન અપાયું

ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવવા માટેની રીત તેમજ રિચાર્જ કરવા સહિતની તમામ વિસ્તૃત જાણકારી અપાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૭ :   જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પીજીવીસીએલના તંત્ર દ્વારા જૂના મીટર બદલાવીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેના સંદર્ભમાં વિરોધ થઈ રહ્યા છે. જે સ્માર્ટ મીટર કઈ રીતે ઇન્સ્ટોલ થાય છે, તેમ જ તેને રિચાર્જ કરાવવા સહિતની જરૂરી તમામ માહિતી જામનગરના વિજ તંત્ર દ્વારા ગ્રાહકોને આપવામાં આવી છે.

હાલમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી અંતર્ગત ઘણી બધી જગ્યા એ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, અને આવા ખોટી કે અધૂરી વિગતના કારણે વીજ ગ્રાહકો દ્વારા નવા મીટર લગાડવામાં સંશય અનુભવે છે. જે માટે આજે સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઇજનેર અજય પરમાર સાથે સ્માર્ટ મીટર વિશે લોકોના પ્રશ્નો પૂછીને સીધી જ સાચી માહિતી પ્રાપ્ત કરાઈ છે. 

 

સ્માર્ટ મીટર અંગે પૂછવામાં આવેલ પ્રશ્નો તથા તેમના વિગતવાર જવાબો નીચે મુજબ દર્શાવેલ છે:

 

 

૧. સ્માર્ટ મીટર વિશે...

સ્માર્ટ મીટર એ હાલના વીજ મીટરની નવી પેઢી છે. જેના થકી તમને તમારા વીજ વપરાશની પેટર્ન ની વિગત વિશે જાણવા મળશે અને વીજ કંપનીને માનવીય હસ્તક્ષેપ વગર સિસ્ટમ મોનિટરિંગ અને ગ્રાહકની બિલિંગ પ્રક્રિયામાં સરળતા સાથે મદદ મળશે. 

 

સ્માર્ટ વીજ મીટર ગ્રાહકના ઘરવપરાશ, વાણિજ્ય અને ઔદ્યોગિક વિજજોડાણોના વીજ વપરાશના રીડિંગ ઓટોમેટિક રીતે નોંધે છે અને તેની માહિતી વાયરલેસ પધ્ધતિથી  વીજ કંપનીને મોકલે છે. તદુપરાંત સ્માર્ટ મીટર પીક અને ઓફપીક કલાકો દરમ્યાનના આપના વીજ વપરાશનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે જે આપને આપના ભવિષ્યના વીજ વપરાશનું અનુમાન કરવામાં મદદરૂપ થશે.

 

૨. સ્માર્ટ મીટર- સવાલ અને સમાધાન ...

 

સ્માર્ટ મીટર અને તેના ફાયદાઓ વિશે...

 

૧. સ્માર્ટ મિટરમાં પ્રિપેઇડનું કાર્ય શું છે?

જવાબ: સ્માર્ટ મીટરમાં વીજ વપરાશના પ્રિપેઇડનું કાર્ય પ્રિપેઇડ મોબાઈલ જેવું જ છે. 

આપના વીજ વપરાશનો ઉપયોગ કરવા માટે અગાઉથી રિચાર્જ કરવું જરૂરી છે. ઓછા કે શૂન્ય બેલેન્સના કિસ્સામાં આપનો વીજ પુરવઠો કાપતા પહેલા મીટર આપના રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એસ.એમ.એસ દ્વારા અથવા મોબાઈલ ઍપ્લિકેશનમાં ગ્રાહકોને બે કે ત્રણ વોર્નિંગ મેસેજ મોકલશે. પ્રિપેઇડ મીટરના કારણે ગ્રાહકોને અણધાર્યું વીજ બિલ મળતું ટાળી શકશે અને આપના વીજ વપરાશનું યોગ્ય બજેટ બનાવવાંમાં તથા તે મુજબ વપરાશ કરવામાં પણ મદદરૂપ થશે.

 

૨. સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાડવા માટે ગ્રાહકે કોઈ રકમ ભરવી પડશે?

જવાબ: સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાડવા માટે ગ્રાહકે અગાઉથી કોઈ રકમ ભરવાની જરૂર નથી. પણ મીટર લગાડ્યા પછી આપના વીજવપરાશ માટે રિચાર્જ કરવું જરૂરી છે.

 

૩. સ્માર્ટ પ્રિપેઇડ મીટરના ઉપયોગના શું શું ફાયદાઓ છે?

જવાબ: 

* ગ્રાહક પીજીવીસીલની મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગથી તેમના વીજવપરાશને જાણી શકશે.

* તે આપના વીજળીના રીડિંગનો ડેટા ડિજીટલ રીતે વીજ કંપનીના સિસ્ટમ પર મોકલે છે,અને આ ડેટા એનાલીસીસ થકી વીજ કંપનીને તેઓના ગ્રાહકોનો વીજ પુરવઠો સુધારવામાં મદદ મળશે.

 

૪. સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા શું છે?

જવાબ: અમારી કચેરી જ સામેથી ગ્રાહકના વર્તમાન મીટરને સ્માર્ટ મીટરમાં બદલવાની કાર્યવાહી કરશે.

 

 

બિલિંગ અને રિચાર્જ વિશે....

 

૧. સ્માર્ટ કે પ્રિપેઇડ મીટરના કારણે ગ્રાહકના વીજ ટેરિફમાં કોઈ બદલાવ આવશે?

જવાબ: સ્માર્ટ કે પ્રિપેઇડ મીટર માટે ગ્રાહકના વીજ ટેરિફના માળખામાં હાલ કોઈ બદલાવ નહીં આવે. જો કે ભવિષ્યમાં ટેરિફનું માળખું સમયાંતરે ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરીને આધીન રહે છે.

 

૨. સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવ્યા પછી ગ્રાહકના વીજ બીલમાં વધારો થઈ શકે છે?

જવાબ: ગ્રાહકના હાલના પરંપરાગત વીજ મીટરના વીજ બિલની સરખામણીએ કોઈ વધારો નહીં થાય. મીટર રીડિંગમાં માનવીય ભૂલો નાબૂદ થવાથી રીડિંગની ચોક્સાઈમાં સ્માર્ટ મીટર વધારો કરશે અને ગ્રાહકના વીજ વપરાશના પેટર્નની યોગ્ય દેખરેખ રાખવામાં મદદરૂપ થશે.

 

૩. ગ્રાહક સ્માર્ટ મીટરમાં કેવી રીતે રિચાર્જ કરી શકે? જવાબ: અહી નીચે આપેલ કોઈપણ વિકલ્પ દ્વારા ગ્રાહક સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરી શકશે.

૧. આપના મોબાઈલ દ્વારા પીજીવીસીલની એપ્લિકેશન થકી.

૨. ગ્રાહક વેબ પોર્ટલની મુલાકાત થકી.

૩. નજીકમાં આવેલ કોઈપણ બિલિંગ કેન્દ્રમાં.

 

૪.  વીજ કંપની દ્વારા ઓછા બેલેન્સ અથવા ડિસ્કનેક્શન માટે ગ્રાહકોને કોઈ ચેતવણી સંદેશ મળશે?

જવાબ: હા, આપના નોંધાયેલ મોબાઈલ નંબરમાં એસ.એમ.એસ. દ્વારા, સ્માર્ટ મીટરમાં અને વીજ કંપનીની મોબાઈલ એપ્લિકેશન ઉપર નીચે મુજબના તબ્બકે ચેતવણી સંદેશા આપને મળશે.

ઓછા બેલેન્સ માટે ચેતવણી...

• ૨૦૦ રૂપિયાથી ઓછા બેલેન્સ માટે એસ.એમ.એસ.

• ૫૦ રૂપિયાથી ઓછા બેલેન્સ માટે એસ.એમ.એસ. 

• 00 રૂપિયાથી ઓછા બેલેન્સ માટે એસ.એમ.એસ.

•-300 રૂપિયાથી ઓછા બેલેન્સ માટે એસ.એમ.એસ.

ડિસ્કનેક્શન માટે ચેતવણી.

 

૫. રિચાર્જ કર્યા બાદ કેટલા સમયમાં રિચાર્જની રકમ બેલેન્સ તરીકે સ્માર્ટ મિટરમાં દેખાશે? 

જવાબ: સામાન્ય રીતે રિચાર્જ કર્યા બાદ થોડી મિનિટોમાં રિચાર્જની રકમ સ્માર્ટ મીટરમાં બેલેન્સ તરીકે દેખાશે.

 

 

૬. ગ્રાહકનું રિચાર્જ સંપૂર્ણ વપરાય ગયા બાદ તુરતજ તેમનો વીજ પુરવઠો કપાય જશે? 

જવાબ: વીજ પુરવઠો કપાતા પહેલા વીજ કંપની દ્વારા ગ્રાહકના રજીસ્ટર મોબાઇલમાં, સ્માર્ટ મીટર અને સ્માર્ટ મીટર મોબાઈલ એપ્લિકેશનમાં ઓછા બેલેન્સના ચેતવણી એસ.એમ.એસ. મળશે.

 

૭. ગ્રાહકોને પાવર શટડાઉન અને ડિસ્કનેક્શન વચ્ચેના તફાવતની કેમ ખબર પડશે?

જવાબ: ડિસકનેક્શનના કિસ્સામાં મીટર સુધી વીજ પુરવઠો ચાલુ હશે-મીટર તે વખતનું ઓછું/ શૂન્ય/નેગેટિવ બેલેન્સ બતાવશે.

 

૮. ગ્રાહક વીજ બિલ કાગળ ઉપર, એસ.એમ.એસ. કે ઈલેક્ટ્રોનિક રીતથી કેમ મેળવી શકીશ?

જવાબ: ગ્રાહક વીજ બિલ સ્માર્ટ મીટરની એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ દ્વારા પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકશે.

 

૯. ગ્રાહકનું મોબાઈલ એપ્લિકેશન દ્વારા રિચાર્જ ના કરી શકે અથવા તેમનું રે રિચાર્જ ટ્રાનજેક્શન નિષ્ફળ જાય તો તેમણે શું કરવું?

જવાબ: આ અંગે ગ્રાહક સ્માર્ટ મીટરની એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ ઉપર તેમની ફરિયાદ નોંધાવી શકે છે કરી

 

૧૦. સફળ રિચાર્જ કર્યા બાદ પણ જો વીજ પુરવઠો પુનઃપ્રસ્થાપિત ના થાય તો મારે કોનો સંપર્ક કરવો?

જવાબ: સામાન્ય રીતે, સફળ રિચાર્જ થયા બાદ થોડી મિનિટોમાં જ વીજ પુરવઠો પુનઃપ્રસ્થાપિત થઈ જાય છે. જો પુરવઠો પુનઃપ્રસ્થાપિત ના થાય તો સ્માર્ટ મીટરની એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ ઉપર ગ્રાહા જાતે જ ફરિયાદ નોંધાવી શકે છે.

 

૧૧. ગ્રાહકના પ્રીપેડ મીટરમાં બેલેન્સ ઉપલબ્ધ હોવા છતાં જો તેમનો વીજ પુરવઠો કપાય જાય તો શું કરવું જોઈએ?

જવાબ: સામાન્ય રીતે, આવું બનતું નથી. જો કે, કોઈ તાંત્રિક કારણોસર આવી જૂજ શક્યતાઓમાં જો પુરવઠો પુનઃપ્રસ્થાપિત ના થાય તો સ્માર્ટ મીટરની એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ ઉપર ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે જેનું નિવારણ તાત્કાલિક કરવામાં આવે છે.

 

 

સ્માર્ટ મીટરની વિશેષતાઓ:-

 

ગ્રાહકને સહાયક સ્માર્ટ મીટરની વિશેષતાઓ નીચે મુજબ છે

* નાના રિચાર્જ માટે સરળ ટોપ-અપની સુવિધાનો વિકલ્પ 

* ઓછા/શૂન્ય બેલેન્સના મેસેજ/ એસ.એમ.એસ. 

* ઝડપી રિચાર્જની સુવિધા

* ગ્રાહકના વીજ વપરાશ અને તેને લગતી અન્ય હાથવગી માહિતી

* વીજ વપરાશને બજેટપૂર્ણ બનાવવામાં મદદ

* માસિક અને દૈનિક વીજ વપરાશ અને વીજ માંગની સરખામણી

* વ્યક્તિગત વિક્ષેપ વગર ઓટોમેટિક રીડિંગ

* આ ઉપરાંત ઘણી અન્ય ટેકનિકલ વિશેષતાઓ

 

* ગ્રાહકને વીજ બીલને ઘટાડવામાં સ્માર્ટ મીટર તેમને કેવી રીતે મદદ કરી શકે?

જવાબ: પીજીવીસીલની સ્માર્ટ મીટર એપ્લિકેશન અથવા ગ્રાહક વેબપોર્ટલની મદદથી રિયલ-ટાઈમના ધોરણે આપના વીજ વપરાશને તપાસી શકે છે અને ટ્રેક પણ કરી શકો છે. આ માહિતી માસિક/દૈનિક

સરખામણી સાથે વીજળી વપરાશના ડેટાને ટ્રેક કરી શકે છે જે વીજ વપરાશને ઘટાડવામાં મદદ કરી શકે છે.

 

 

પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા:

 

(૧) કન્ઝ્યુમર ઇંડેશિંગ (સીઆઈ):

પી.જી.વી.સી.એલ. દ્વારા નિયુક્ત કરેલ એજન્સીના પ્રતિનિધિ ગ્રાહકના વીજપ્રસ્થાપન પર પહોચી મીટરની વિગત, ગ્રાહકની વિગત, અક્ષાંશ રેખાંશ, મીટર બોક્ષની વિગત, કેબલની વિગત વગેરે મોબાઇલની એપ્લિકેશમાં નોંધણી કરે છે.

 

(૨) મીટર ઇન્સ્ટોલેશન (એમઆઈ):

પી.જી.વી.સી.એલ. દ્વારા નિયુક્ત કરેલ એજન્સીના પ્રતિનિધિ તથા વિજકંપનીનો સ્ટાફ ગ્રાહકના હયાત મીટરની જગ્યાએ પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવશે. તેમજ જૂના મીટરની તથા નવા મીટરની વિગત મોબાઇલ એપ્લિકેશનમાં નોંધણી કરશે. ત્યારબાદ વીજપ્રસ્થાપન સીલ કરશે અને મીટર બદલવાના પ્રોફોરમાની નકલ ગ્રાહકને આપશે. ઉપર મુજબની કામગીરી પૂર્ણ થયા બાદ સર્વર પર ડેટા જશે અને ત્યારબાદ ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર અંગ્રેજીમાં મેસેજ આવશે.

 

Dear Consumer, Congratulations! We are pleased to inform you that your electricity connection has been successfully converted to pre-paid mode. Your final outstanding amount of Rs. xxxx has been converted into daily equal instalments of Rs. xxx. For more detail, please click on https://mdm-apraava.pgvcl.com/consumerLogin

 

 

મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ અને રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા:

 

પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર સાથે ગ્રાહકના મોબાઇલનું જોડાણ કરવા ગ્રાહક દ્વારા નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.

(એ)ક્યુઆર કોડ સ્કેન કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રજિસ્ટ્રેશન લિંક માં જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહશે.

અથવા

(બી) ગુગલ પ્લેસ્ટોર કે એપલ સ્ટોરમાં જઈ “પી.જી.વી.સી.એલ. સ્માર્ટ મીટર" મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન લિંક માં જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહશે.

રજીસ્ટ્રેશન માટે ‘ફસ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન' પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ ગ્રાહકના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર/ઈ-મેઈલ પર ઓ.ટી.પી. આવશે.

ઓ.ટી.પી. ની મદદથી પાસવર્ડ જનરેટ કર્યા બાદ ગ્રાહક મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકશે.

 

નોંધ: બાકી એરિયર્સની રકમ ગ્રાહકના રી-ચાર્જ બેલેન્સમાંથી મહતમ ૧૮૦ દિવસમાં વસુલવામાં આવશે. આથી જો દિવસોની સંખ્યા ૧૮૦ દિવસ કરતા વધી જશે તો ડેઇલી ઇન્સસ્ટોલમેન્ટ એમાઉન્ટ (ડી.આઈ.એ.) = એફ.ઓ.એ./૧૮૦ દિવસ.

જો એફઓએ નેગેટીવ એટલે કે, એરિયર્સની રકમ ગ્રાહકની જમાં સિક્યોરિટી ડીપોઝીટ કરતા ઓછું હશે તો તેવી જમા રકમ ગ્રાહકના રી-ચાર્જ બેલેન્સમા ૬ મહિનાના હપ્તામાં જમા આપવામાં આવશે. 

 

 

 

* ગ્રેસ સમયગાળો:

જે ગ્રાહકોને ત્યાં સ્માર્ટ પ્રી-પેઈડ મીટર લગાડવામાં આવશે તેવા ગ્રાહકોને પહેલા રીચાર્જ માટે ૫ દિવસ નો ગ્રેસ સમયગાળો આપવામાં આવશે.

 

કટોકટી માટેની જમા રકમ:

ભારત સરકારનાં વિધુત મંત્રાલય દ્વારા તારીખ ૧૪-૦૨-૨૦૨૪ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ રૂ. -૩૦૦.૦૦ કટોકટીની જમાં રકમ તરીકે માન્ય રાખવામાં આવેલ છે. આથી,જો કોઈ ગ્રાહકનું પ્રાપ્ય રી-ચાર્જ બેલેન્સ જો રૂ - ૩૦૦.૦૦ થશે ત્યાં સુધી તેવા ગ્રાહકોનું વીજ જોડાણ કપાશે નહિ .પરંતુ જો છેલ્લા ૬ મહિનામાં ત્રણ વખત જો આ શરતનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ઉપર મુજબની સુવિધા રદ કરવામાં આવશે.

 

* રી-ચાર્જ:

ગ્રાહકે ઓછામાં ઓછું રૂ .૧૦૦.૦૦ કે તેના ગુણાંકમાં રી-ચાર્જ કરવાનું રહેશે. રી-ચાર્જ કરવા માટે ગ્રાહકો દ્વારા મોબઈલ એપ અને પી.જી.વી.સી.એલ.ની કેશ કલેશન બારી થી રી-ચાર્જ કરી શકાશે.

 

* મોબાઇલમાં બેલેન્સ કેવી રીતે ચકાસશો ?

જવાબ: તમે નીચેનામાંથી કોઈપણ રીતે બેલેન્સ રકમ ચકાસી શકો છો.

એ) તમારી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને

બી) પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર પર ડિસ્પ્લે તપાસી ને

 

 

* ડીશકનેકશન :

નીચેનાં સંજોગોમાં સ્માર્ટ પ્રી-પેઈડ મીટર ઓટો ડીશકનેકશન થશે:

 

જે ગ્રાહકનું વીજજોડાણ સ્માર્ટ પ્રી-પેઈડ મીટર માં તબદીલ થયું હશે અને જો તે ગ્રાહક નું શરૂઆતનાં ૫ દિવસ નાં ગ્રેસ સમયગાળા બાદ રી-ચાર્જ કરવામાં ન આવશે અને જો કટોકટીની જમા રકમ -રૂ.૩૦૦.૦૦ થી વધી જશે તેવા કિસ્સામાં ગ્રાહકનો વીજપુરવઠો બંધ થઈ જશે.

ડીશકનેકશન માટેનો કમાન્ડ દરરોજ ઓફીસના કામકાજનાં કલાકો દરમિયાન (રવિવાર,બીજા અને ચોથા શનિવાર તથા જાહેર રજાનાં દિવસો સિવાય) આપવામાં આવશે.

 

 

* રી-ચાર્જ બેલેન્સ અંગેના મેસેજ એસ.એમ.એસ. એલર્ટ:

 

રી-ચાર્જ બેલેન્સ અંગેના મેસેજ એલર્ટ નીચેનાં સંજોગોમાં ગ્રાહકને મોકલવામાં આવશે .

રી-ચાર્જ બેલેન્સ સંબંધિત સંદેશ,/ એસ.એમ.એસ. ચેતવણી:

# જ્યારે ઉપલબ્ધ રિ-ચાર્જ બેલેન્સ ૫૦ આઈ.એન.આર. સુધી પહોંચે છે

# જ્યારે ઉપલબ્ધ રિચાર્જ બેલેન્સ ૦ આઈ.એન.આર. સુધી પહોંચે છે

# જ્યારે રીસીવેબલ રી-ચાર્જ બેલેન્સ -૨૦૦ આઈ.એન.આર. સુધી પહોંચે છે

ઉપરાંત, ગ્રાહક કોઈપણ સમયે રીચાર્જ કરી બેલેન્સ ઉમેરી શકશે.

(12:22 PM IST)