<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

મોરબી : પ્રિ-મોન્‍સુનની કામગીરી સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : પ્રિ-મોન્‍સુન કામગીરી અન્‍વયે આગોતરી તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્‍ટર કે. બી. ઝવેરીના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસા પૂર્વે અને ચોમાસાની સિઝન દરમિયાન કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્‍યવસ્‍થાઓની તૈયારીઓ બાબતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્‍ટર કે. બી. ઝવેરીએ જણાવ્‍યું હતું કે, આગામી તા.૦૧ જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્‍યવસ્‍થાપન, સ્‍થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્‍થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શકય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જરૂરી છે. માનવ અને પશુ મળત્‍યુના કિસ્‍સામાં સહાય-વળતરની રકમ શકય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે બાબત પણ ખાસ ધ્‍યાનમાં રાખવા જણાવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્લાના તમામ ડેમ ખાતેના વાયરલેસ સહિતના દુરસંચારના ઉપકરણો કાર્યરત હોય, ડેમ સુધી જવાના માર્ગો કાર્યરત હોય તેની ચકાસણી કરવી અને ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્‍યારે નીચાણવાળા વિસ્‍તારોમાંથી સ્‍થળાંતર સહિતની કામગીરી અગાઉથી જ કરવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવા પણ જણાવાયું હતુ. પીવાના પાણીના વિતરણ પૂર્વે ક્‍લોરિનેશન, સુપર ક્‍લોરિનેશન થાય તે બાબતે ધ્‍યાનમાં રાખવા સુચના આપવામાં આવી હતી. વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વરત થઇ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજતંત્રને સૂચના આપવામાં આવી હતી. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, જરૂરી સફાઈ વ્‍યવસ્‍થા, દવા છંટકાવ તેમજ અગ્નિશમનના સાધનો કાર્યરત કરી દેવા માટે પણ વિશેષ સૂચના આપવામાં આવી હતી

(1:23 PM IST)