<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

કોઇ માઇ નો લાલ હાથ અડાડશે કે નહીં એ તો લોકોની વચ્ચે જાય ત્યારે ખબર પડે:નિલેશ કુંભાણી પર પ્રતાપ દૂધાતનો વળતો પ્રહાર

આગામી દિવસોમાં સ્માર્ટ મીટરના મુદ્દે અમરેલીથી જ આંદોલન શરૂ કરવાની તૈયારી

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે પ્રથમવાર કોંગ્રેસના કાર્યકરોની આભાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કરતા વધુ એક વિવાદ સર્જાય તેવી શક્યતા છે. તેમણે જણાવ્યું છેકે કોઇ માઇ નો લાલ હાથ અડાડશે કે નહીં એ તો લોકોની વચ્ચે જાય ત્યારે ખબર પડે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કાર્યકરોનો આભાર માન્યો હતો અને કોંગ્રેસ પક્ષની આગામી રણનીતિ અંગે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્માર્ટ મીટરના મુદ્દે અમરેલીથી જ આંદોલન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

અમરેલી ખાતે ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સુરતના નિલેશ કુંભાણી પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, જાહેર જીવનમાં કોઇને મારી નાંખવાની વાતો ન હોય, એક ચૂંટણી પ્રચાર દરમિયાન વાત થઇ હતી. અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલી એક વ્યક્તિને અહીથી કેવી રીતે હટાવવો તેની વાત હતી. કોઇ માઇ નો લાલ હાથ અડાડશે કે નહીં એ તો સુરતની જનતા નક્કી કરશે. મરદ માણસ ઘરમા રહે, લોકોની વચ્ચે રહે અને લોકોની વચ્ચે ફરે.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માઇ નો લાલ કોઇ હાથ અડાડશે કે નહીં અડાડે. એ વ્યક્તિ મીની બજારમાં જાય, લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે. કોણ એને હાથ અડાડશે અને કોણ નહીં અડાડે. એ સુરત છે અને સુરતની જનતા છે. ચૂંટણી એક દિવસની ન હોય. રાજનીતિ એક દિવસની ન હોય. જાહેર જીવન એક દિવસનું ન હોય. જાહેર જીવનની અંદર વાર પલટ વાર થતો હોય છે. આવનાર સમય નક્કી કરશે કે આગળ શું થવાનું છે. અમરેલી ખાતેની સભામાં પ્રતાપ દુધાત દ્વારા સ્માર્ટ મીટર સામે લડતની જાહેરાત અને નિલેશ કુંભાણી સામે પ્રત્યાઘાત પડે તો નવાઈ નહીં.

(5:37 PM IST)