<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

અંજારમાં બાયપાસ માટે જમીન સંપાદન થયા પછી ૨૨ વર્ષ થયા રોડ બન્યો નથી: કોંગ્રેસે ભાજપના નેતાઓ સામે કર્યા નિષ્ક્રિયતાના આક્ષેપો

નો એન્ટ્રી છતાં ભારે વાહનોના પ્રવેશથી નાના મોટા અકસ્માત અને ટ્રાફિક જામની રોજીંદી સમસ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ :  અંજાર શહેરમાંથી કાયમી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે બાયપાસ રોડ બનાવવા માટે ૨૦૦૨ માં એટલે કે ૨૨ વર્ષ પહેલા જમીન સંપાદન કરી લેવામાં આવેલ હોવા છતાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદશ્રી તેમજ સ્થાનિક ભાજપના નેતાઓ તરફથી કોઈ દરકાર લોધેલ નથી અને આના કારણે અંજાર શહેરના નાગરિકો ટ્રાફિકની યાતના સહન કરી રહેલ છે. 

ભુજ તરફથી આવતા વાહનો ને ગાંધીધામ કે મુન્દ્રા જવું હોય તો અંજાર શહેરમાં યોગેશ્વર ચોકડીથી મોટા-મોટા અને ટ્રેલરો પસાર થાય છે જેના કારણે લોકો તેમજ નાના વાહનચાલકોને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. અને ગંભીર બાબત તો એ છે કે અંજાર શહેરનો બાયપાસ રોડ ના બનતા છેલ્લા ૨૦ વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ થી વધારે લોકોએ તેમના જાન ગુમાવેલ છે. જેના જવાબદાર ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ છે. અંજાર શહેરના લોકોએ ભાજપને ખોબે ને ધોબે મત આપી હમેશા લીડ આપેલ છે. તેમ છતાં અંજાર શહેરની સમસ્યા ઉકેલવા માટે ભાજપના આગેવાનોએ કોઈ દરકાર કરેલ નથી. 

જયારે કોઈ અકસ્માતમાં જાન ગુમાવે અને લોકો હોબાળો મચાવે ત્યારે કલેકટરશ્રી તરફથી વાહનોનો પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પડે અને વારંવાર આવા જાહેરનામાં બહાર પડેલ છે પરંતુ તેમનો અમલ કોણ કરાવે ? કારણ કે જો જાહેરનામાંનો અમલ થાય તો વાહનચાલકોને ૪૦ થી ૫૦ કી.મી. લાંબો ફેરો મોડવદર થયી જવું પડે અને આટલું અંતર વાહનચાલકોને કઈ રીતે પરવડે જેના કારણે કાયમ જાહેરનામાંનો ભંગ કરી મોટા વાહનો આજે પણ શહેરમાંથી પસાર થયી રહેલ છે. 

 

આ બધી હાલાકીનો એક માત્ર ઉપાય છે કે અંજાર શહેરનો બાયપાસ રોડ બની જવો જોઈતો હતો અને બાયપાસ રોડ બનાવવા માટે ૨૨ વર્ષ પહેલા ૨૦૦૨ માં જમીન પણ સંપાદન કરવામાં આવેલ હોવા છતાં બાયપાસ રોડ બનાવી શકાયેલ નથી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ફળતા છે. અંજારના ધારાસભ્ય તરીકે ૧૯૯૫ થી વાસણભાઈ આહીર, નીમાબેન આચાર્ય, ત્રિકમભાઈ છાંગા અને સાંસદશ્રી વિનોદ ચાવડા તેમજ અંજાર નગરપાલિકાના સત્તાધીશો સત્તા ઉપર હોવા છતાં અંજાર શહેરની ક્યારેય ચિંતા કરેલ નથી જેના કારણે અંજાર વિસ્તારના લોકોને ભોગ બનવું પડે છે. અંજાર શહેરના બાયપાસ માટે ૨૪-૦૭-૨૦૦૨ ના જમીન સંપાદન કરી લેવામાં આવેલ છે જેમાં મોટી નાગલપર ના ૧૨ ખેડૂતો, નાની નાગલપરના ૪૨ ખેડૂતો અને અંજાર શહેરના ૧૦ ખેડૂતો આમ કુલ્લ ૬૪ ખેડૂતોની જમીન સંપાદન કરી લેવામાં આવેલ છે અને વળતર પણ ચૂકવાઈ ગયેલ હોવા છતાં ભાજપ સરકારની બેદરકારીના લીધે ૨૨ વર્ષથી બાયપાસ રોડ બનાવી શકેલ નથી અને યોગેશ્વર ચોકડીની આજુ બાજુ અંદાજીત ૧૦૦ જેટલા લોકોએ જાન ગુમાવેલ છે ત્યારે વિકાસના બણગા ફૂકતા અને વિકાસની વાતો કરતા અંજાર શહેરના લોકો હાલાકી ભોગવી રહેલ છે. અંજાર શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે જેમાં વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો હોય, ગટર પાણીના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન નિષ્ફળ છે જેના માટે વહીવટી તંત્રએ ધ્યાન આપી કાયમી સમસ્યાઓમાંથી ઉકેલ લાવે તેવી રજૂઆત વી.કે.હુંબલ દ્વારા કરવામાં આવેલ છે.

(9:49 AM IST)