News of Tuesday, 21st May 2024
ટ્રાન્સપોર્ટ મારફત ૪૦૦૦ થી વધુ નકલી કપાસના બિયારણની બેગનો જથ્થો આવ્યો હોવાની શંકાએ તપાસનો ધમધમાટ
શાપર વેરાવળના ભુમિક ભાલીયાએ ઇડરના ગુણવંત પાસેથી કપાસના બિયારણનો જથ્થો લીધો'તો રાજકોટ જીલ્લા એસઓજી પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહીતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ૪૦૦ રૂપીયાનું બિયારણ લઇને ૧ હજાર રૂપીયામાં વેચતો'તો

રાજકોટ, તા., ૨૧: શાપર વેરાવળમાંથી ઝડપાયેલ કપાસના બિયારણ મુદ્દે તપાસમાં જાણવા મળ્યું છે કે શાપર વેરાવળના ભુમીક ભાલીયાએ ઇડરના ગુણવંત પાસેથી કપાસના બિયારણનો જથ્થો લીધો હતો.
૪૦૦ રૂપીયાનું બિયારણ લઇને ૧ હજાર રૂપીયામાં વેચતો હોવાનું ખુલ્યું છે. અને પોલીસે નોટીસ ફટકારી છે અને ટ્રાન્સપોર્ટ મારફત ૪ હજારથી વધુ બેગનો જથ્થો આવેલ હોવાની શંકાએ તપાસ હાથ ધરી છે.
શાપર-વેરાવળમાં આવેલા ગોડાઉનમાં જિલ્લા પોલીસની ટીમે દરોડો પાડી રૂ.૨.૮૩ લાખનો કપાસના બિયારણનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો વેચવા લાયક નહીં હોવા છતાં ખેડૂતોને ધાબડવામાં આવતો હોવાની શંકા છે. શાપરમાં કેપ્ટન ગેટની અંદર અલ્ટ્રાકેબ નામના વાયરના કારખાનાની સામે આવેલા ગોડાઉનમાંથી નકલી બિયારણ વેચાતું હોવાની માહિતી મળતાં જિલ્લા પોલીસની એસઓજીના પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહિતની ટીમ ખાબકી હતી. ગોડાઉનમાંથી માહી શક્તિ પ્રીમિયમ કોટન હાઇબ્રીડ સીડ્સ, પિન્ક કિલર-૫જી મોર પારવર ફુલના ૪૫૦ ગ્રામના રૂા.૨,૮૩,૫૦૦ની કિંમતના ૪૦૫ પ્લાસ્ટિકની બેગનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગોડાઉનના સંચાલક રાજકોટના કોઠારિયા રોડ પરના માટેલ પાર્કમાં રહેતા ભૂમિક રમેશભાઇ ભાલિયાને સકંજામાં લઇ પૂછપરછ કરતાં કેટલીક સ્ફોટક હકીકત બહાર આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પિન્ક કિલર સહિત અન્ય છ સાત એવી કેટેગરી છે જેને સરકારે વેચાણ માટે મંજૂરી આપી નથી છતાં આવા ગોરખધંધા કરવામાં આવે છે. ભૂમિક ઇડર પંથકમાંથી કપાસના આવા બિયારણનો જથ્થો રૂ.૪૭૫ પ્રતિ બેગના ભાવે લઈ આવતો હતો અને ખેડૂતોને રૂ.૧૦૦૦થી માંડી રૂ.૧૫૦૦માં ધાબડતો હતો. બે વર્ષથી ભૂમિક બિયારણ વેચવાનું કામ કરે છે. પોલીસે હાલ તો શંકાસ્પદ જથ્થા તરીકે બિયારણનો જથ્થો જપ્ત કરી તપાસ આગળ ધપાવી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
