<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પિતૃઓના મોક્ષાર્થે જોષી પરિવાર દ્વારા પ્રાચી પીપળા ખાતે ભાગવત કથા

શુક્રવારે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે (પ્રભાસપાટણ) ધજા ચડાવાશે, તા. ૨૫ થી ૩૧ મે સુધી આયોજીત ભાગવત કથાનું રસપાન શાસ્ત્રીજી ભાવેશભાઇ પંડયા કરાવશે, દરરોજ રાત્રીના ડાયરો, હાસ્ય સંમેલન, સંતવાણીના કાર્યક્રમો, પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

રાજકોટ તા. ૨૧ : ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ટોબરા ગીરના પ્રવીણભાઈ મોતીભાઈ જોષી તથા રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમંત્રી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના પ્રવકતા હરેશભાઈ જોષીની સંયુકતયાદીમાં જણાવાયું છે કે જોષી પરિવારના પિતૃઓ સ્વ. હરજીવનભાઈ નરસિંહભાઈ જોષી, સ્વ.અમૃતબેન હરજીવનભાઈ જોષી, સ્વ.મોતીલાલ હરજીવનભાઈ જોષી, સ્વ.હિંમતલાલ હરજીવનભાઈ જોષી, સ્વ.ધીરજલાલ હરજીવનભાઈ જોષી, સ્વ.ભાનુબેન ધીરજલાલ જોષી, સ્વ.પ્રભાબેન પ્રવીણચંદ્ર જોષી, સ્વ. પ્રકુલભાઈ ધીરજલાલ જોષી, સ્વ.રમેશભાઈ હિંમતલાલ જોષી સહિતના પિતૃઓના મોક્ષાર્થે જોષી પરિવાર દ્વારા ૧૦૦ વાર કાશી અને ૧ વાર પ્રાચી એવા પ્રાચી તિર્થ ક્ષેત્રના મોક્ષ પીપળાના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન પ્રાચી ખાતે આવેલ શ્રી કારડીયા રાજપુત સમાજ, માધવરાયજી મંદિરની બાજુમાં, પ્રાચી પીપળા ખાતે તા. ૨૫ થી ૩૧ મે સુધી કરવામાં આવેલ છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વ્યાસાસને વિદ્વાન ભાગવતાચાર્ય પ્રવકતા શ્રી ભાવેશભાઈ ડી.પંડયા (કાશી, કણજડીવાળા) બિરાજી સંગીતસભર રસમય શૈલીમાં કથા રસપાન કરાવશે. દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા ડાયરા, લોકસાહિત્ય, જ્ઞાનસભર હાસ્ય સંમેલન અને સંતવાણીના કાર્યક્રમ યોજાશે. આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સાધુ સંતો તેમજ જાહેર જીવનના આગેવાનો ઉપસ્થિત રહેશે.

વધુ માહિતી આપતાં પ્રવીણભાઈ જોષીએ જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ પહેલા શ્રી સોમનાથ મહાદેવ ધ્વજા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૪ શુક્રવાર સાંજે ૫ કલાકે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે (પ્રભાસ પાટણ) ધ્વજા ચડાવવાનું આયોજન કરેલ છે. પ્રાચી ખાતે ધ્વજાજીનું ભૂદેવો દ્વારા સોડશોપચારથી પૂજન અર્ચન વેદોકત મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન તા.૨૪ શુક્રવારે બપોરે ૨ કલાકે શોભાયાત્રાના સ્વરૂપમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે જઈ ઘ્વાજાજીનો રોહણ કાર્યક્રમ યોજાશે.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા.૨૫ શનિવાર સવારે ૮ કલાકે રાખવામાં આવેલ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અવિસ્મરણીય અવસરોમાં શ્રી કપિલ ભગવાન પ્રાગટય તા.૨૬ના રવિવારે તેમજ શ્રી નૃસિંહ ભગવાન પ્રાગટય વૈશાખ વદ ચોથ સોમવાર તા.૨૭ સાંજે ૬. કલાકે  મંગળવાર તા. ૨૮ના સવારે ૧૦ કલાકે શ્રી વામન ભગવાન પ્રાગટય, બપોરે ૧૨ કલાકે શ્રી રામ ભગવાન પ્રાગટય, અને સાંજે ૫ કલાકે શ્રીકૃષ્ણ ભગવાન પ્રાગટય, બુધવાર તા. ૨૯ ના સાંજે ૫ કલાકે શ્રી ગોવર્ધન મહોત્સવ, તા.૩૦ ગુરૂવાર રાત્રે ૯ કલાકે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ અને શ્રી સુદામા ચરિત્રનો પ્રસંગ શુક્રવાર તા.૩૧ ના સવારે ૧૦ કલાકે રાખવામાં આવેલ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કથા વિરામ શુક્રવાર તા. ૩૧ બપોરે ૧૨ કલાકે થશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સર્વ ધર્મ અનુરાગીઓને જોષી પરિવાર દ્વારા આમંત્રણ અપાયું છે. તેમ ટોબરા નિવાસી પ્રવીણભાઈ જોષી તેમજ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા હરેશભાઈ જોષી (મો. ૯૪૨૬૯ ૫૯૫૬૫)ની યાદીમાં જણાવાયું છે

(3:47 PM IST)