<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

જૂનાગઢમાં ગરમીએ ૩ મહિનાની બાળાનો ભોગ લીધો : ૧૮ સારવારમાં

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ : મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા લોકોની તબિયત બગડી

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગરમીએ હાહાકાર મચાવતા જૂનાગઢમાં ૩ મહિનાની બાળાનો ભોગ લીધો છે.

મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : હિટવેવ એક સપ્તાહથી હાહાકાર મચાવી રહ્યું છે અને છેલ્લા ૩ દિવસથી જુનાગઢ શહેર અને સોરઠમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી ઉપર રહ્યો છે. જેના કારણે હીટવેવની અસર વધી છે. ગરમી લાગવાથી એક ૩ માસની બાળકીનું મળત્‍યુ થતા અરેરાટી પ્રસરી જવા પામી હતી.

આ બાળકીને ખાનગી એમ્‍બ્‍યુલન્‍સમાં જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સરોવર માટે લાવવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે બાળકીને તપાસી મળત જાહેર કરી હતી.

સિવિલ હોસ્‍પિટલના ઇન્‍ચાર્જ સુપ્રિન્‍ટેડન્‍ટ ડો. દિગંત શિકોતરાએ જણાવ્‍યું હતું કે, છેલ્લા બે દિવસમાં ગરમી લાગવાથી ૧૦ બાળકો સહિત ૧૮ વ્‍યક્‍તિને સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. ૨૧ મેના રોજ ૫ બાળકો અને બીજા દિવસે તા. ૨૨ મે ના રોજ એટલા જ ભૂલકાને સારવાર માટે ખસેડાયા છે. આ જ પ્રમાણે બે દિવસમાં ૪૦ થી ૬૮ વર્ષની વયના પુરૂષને ગરમી લાગવાથી સારવાર હેઠળ છે. હીટવેવની અસર પામેલા મોટા ભાગના બાળકોની વય ૨ માસથી લઇ ૧૧ વર્ષની છે. આ તમામ દર્દીઓ ભયમુક્‍ત હોવાનું જણાવ્‍યું હતું.

દરમિયાન ગુરૂવારની માફક આજે સવારથી પણ આકાશમાંથી અગન વર્ષા શરૂ થઈ ગઈ છે. રાત્રિનું તાપમાન ૩૦.૪ ડીગ્રી રહ્યા બાદ સવારે જુનાગઢનો લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડીગ્રી નોંધાયું હતું ત્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦% રહેતા બફારો વધ્‍યો હતો આ સાથે પવનની પ્રતિ કલાકની ગતિ ૭.૫ કિલોમીટરની રહી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. બપોરે તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો. બપોરે ગરમ લૂ ફેંકાઇ હતી. ભાવનગર શહેરમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. શહેરનું મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી રહ્યું હતું. જ્‍યારે લઘુત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૦ ટકા રહ્યું હતું. જ્‍યારે પવનની ઝડપ ૩૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. 

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૭.૫, મહત્તમ ૩૬.૬, ભેજનું પ્રમાણ ૮૫ ટકા, પવનની ગતિ ૧૬.૬ કિ.મી. રહી છે

(11:13 AM IST)