<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

લોધીકાના વિરવામાં માવતરના ઘરે ભાવનગરના ધર્મિષ્‍ઠાબાનો આપઘાતઃ સાસરિયામાં ત્રાસનો આક્ષેપ

પિતા હરવિજયસિંહ જાડેજાના ઘરે ગળાફાંસો ખાઇ લીધોઃ પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતાં: બે વર્ષથી માવતરને ત્‍યાં હતાં: સાસુ, નણંદ, પતિ સહિતનો ખુબ ત્રાસ હોવાનો ભાઇનો આક્ષેપ

રાજકોટ તા. ૨૪: ભાવનગર સાસરૂ ધરાવતાં અને બે વર્ષથી લોધીકાના વિરવા ગામે પિતા હરવિજયસિંહ દાનુભા જાડેજાના ઘરે રહેતાં ધર્મિષ્‍ઠાબા કુલદિપસિંહ સરવૈયા (ઉ.વ.૩૧) નામના મહિલાએ સાંજે પિતાના ઘરે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ધર્મિષ્‍ઠાબાએ ગળાફાંસો ખાઇ લેતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. જો કે થોડા કલાકોની સારવાર બાદ દમ તોડી દીધો હતો. પરિવારજનોના કહેવા મુજબ તેણીના લગ્ન ભાવનગર ગોૈતમનગર પ્‍લોટ નં. ૧૨૪/૧માં આણંદજી પાર્ક પાસે રહેતાં અને કોર્ટમાં ક્‍લાર્ક તરીકે નોકરી કરતાં કુલદિપસિંહ ગુલાબસિંહ સરવૈયા સાથે પાંચ વર્ષ પહેલા થયા હતાં. જો કે આજથી બે વર્ષ પહેલા તેણી બિમાર પડતાં સાસરિયાએ ફોન કરી તેડી જવાનું કહ્યું હતું. માવતર તેડવા ગયા ત્‍યારે હવે આમને મોકલતા જ નહિ તેવું કહી દેવાયું હતું.

આપઘાત કરનારના ભાઇ કૃષ્‍ણપાલસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે અમે સમાધાનની વાત કરવા જતાં તો પણ એ લોકો પોલીસ બોલાવવાની ધમકી દઇ રવાના કરી દેતાં હતાં. મારા બહેનને પતિ, સાસુ, નણંદ સહિતનો ખુબ ત્રાસ હતો. પ્રસંગમાં પણ આવવા દેતાં નહોતાં. ત્રાસને કારણે જ બહેને આપઘાત કર્યો છે. તેમ વધુમાં કૃષ્‍ણપાલસિંહે જણાવ્‍યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ લોધીકા પોલીસને જાણ કરી હતી.

(11:10 AM IST)