<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

જુનાગઢ મનપાની ઈવનગર ડમ્‍પિંગ સાઈટમાં આગ ભભુકી : ૬ કલાકે કાબુમાં

આગ બુઝાવવા ૮૪ હજાર લીટર પાણીનો ચલાવવો પડ્‍યો મારો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૪ : જુનાગઢ નજીક આવેલ ઈવનગર ડમ્‍પિંગ સાઈટમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી.  ૬ કલાક સતત પાણીનો મારો ચલાવવામાં આવતા આગ માંડ માંડ કાબુમાં આવી હતી.

જુનાગઢ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે ઇવનગર ગામ પાસે ડમ્‍પિંગ સાઈટ બનાવવામાં આવી છે. અહીં રાબેતા મુજબ ફરી આગ ફાટી નીકળી હતી. ગુરુવારે બપોરે ૧૨ વાગ્‍યે ડમ્‍પીંગ સાઈડમાં આગ ભભૂકી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્‍ટાફ દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા હતા.

 પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, ૬ કલાકે માંડ માંડ કાબુમાં આવી હતી. આગને બુઝાવવા માટે ૮૪ હજાર લિટર પાણીનો ઉપયોગ કરવો પડ્‍યો હતો. આમ છતાં પણ આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. કેમકે આગ બુજાવ્‍યા બાદ પણ કચરાનાં ઢગ નીચેથી ધુમાડો ચાલુ રહ્યો હતો. જેથી આગને સંપૂર્ણ કંટ્રોલ કરવા માટે મોડી સાંજ સુધી પણ પાણીનો મારો ચલાવવાની કામગીરી જારી રાખવામાં આવી હતી.

આગની ઘટનાને લઈને કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી પરંતુ ઇવનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં ધુમાડાને લઈને વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું હતું તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

(11:48 AM IST)