News of Friday, 24th May 2024
ગોંડલ સંપ્રદાયના પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ. કાળધર્મ પામ્યા

રાજકોટ તા.૨૪ : શહેરના જય જિનેન્દ્ર આરાધના ભવન ખાતે બીરાજમાન ઉત્તમ પરિવાર - સૂર્ય - વિજય પરિવારના સાધ્વી રત્ના પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.આજરોજ સવારે લગભગ ૫ કલાકે સમાધિ ભાવે કાળધર્મ પામેલ છે.
જૂનાગઢના લાઠ - ભિમોરા નિવાસી રત્નકુક્ષિણી માતુશ્રી કાન્તાબેન અને પિતા ચુનીભાઈ જેઠાલાલ દેસાઈ પરિવારમાં તેઓનો જન્મ થયેલ.૨૪ વર્ષની ભર યુવાન વયે વિ.સં.૨૦૨૮ વૈશાખ સુદ તેરસના દિવસે રાજકોટ ખાતે ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.ગુરુદેવ જશરાજજી મ.સા.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ અંગીકાર કરેલ.નિત્ય હજારો ગાથાઓની સ્વાધ્યાય કરતાં અને સૌને કરાવતા.
ગુરુણી મૈયા સૂર્ય - વિજય પરિવાર તથા પૂ.ભાનુબાઈ મ.સ. પાસે આગમનો ગહન અભ્યાસ કરેલ.અનેક શાષાો કંઠસ્થ કર્યાં. તત્વ અને થોકડામા ખૂબ જ રૂચિ ધરાવે.
આઠ વખત વર્ષી તપની આરાધના કરેલી.અનેક નાની - મોટી તપ સાધના ચાલુ જ હોય.નિત્ય બિયાસણા તપ કરતાં.
પૂ.શ્રીએ ૭૬ વર્ષના માનવ જીવનમાં ૫૨ વર્ષ સુદીર્ધ સંયમ જીવનનું રૂડી રીતે પાલન કર્યું. તેઓના સંસારી વડીલ બંધુ બિપીનભાઈ દેસાઈ એ જણાવ્યું કે તેઓનુ ગત ચાતુર્માસ ગુરુણી મૈયા પૂ.ભાનુબાઈ આદિ સતિવળંદ સાથે રાજકોટ સરદાર નગર સંઘ ખાતે હતું.પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.ખૂબ જ સરળ અને ભદ્રિક.સેવાભાવી અને વૈયાવચ્ચ પ્રેમી.દર્શનાર્થીઓને અચૂક માંગલિક ફરમાવે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું હતું.
જય જય નંદા,જય જય ભદ્દા ના જયઘોષ સાથે પાલખી યાત્રા જય જિનેન્દ્ર, જન કલ્યાણ સોસાયટીથી શુક્રવારે સવારે ૯ કલાકે શરુ થઈ રામનાથ પરા મુક્ત મુક્તિ ધામ ખાતે અંત્યેષ્ઠિ વિધી કરવામાં આવી હતી.
મહાબલીપુરમ ખાતે પુ. ગુરૂદેવ જશરાજજી મ.સા. તથા કલકતા બિરાજીત પૂ.ધીરગુરૂદેવે ગુણાંજલિ અર્પણ કરેલ.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
