News of Friday, 24th May 2024
પાકિસ્તાનના જાસુસ જતીન સાથે અન્ય શખ્સો જોડાયેલા હતા ?
પોરબંદરથી સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલનાર જતીન ચારણીયાની પ દિવસની રિમાન્ડમાં સ્ફોટક વિગતો ખુલે તેવી સંભાવનાઃ પાકિસ્તાનથી સંચાલિત સોશ્યલ મીડીયામાં કોસ્ટગાર્ડ સહિત જહાજોની માહિતી મોકલતા એટીએસે ઝડપી લીધો

પોરબંદરથી ઝડપાયેલ પાકિસ્તાનનો જાસુસ જતીનને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં લઇ જવામાં આવ્યો તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૪: પોરબંદર દરીયાકાંઠાની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલનાર જતીન ચારણીયાને એટીએસએ ઝડપી લઇને જતીનની સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે પ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
રિમાન્ડ દરમિયાન જતીન ચારણીયા સાથે અન્ય શખ્સો જોડાયેલા છે કે કેમ? તે સહિતની અન્ય સ્ફોટક વિગતો ખુલે તેવી સંભાવના છે.
ગુજરાતની સુરક્ષા એજન્સીઓ વિષેની માહિતી સોશ્યલ મીડીયા મારફતે પાકિસ્તાન મોકલવામાં આવે છે. અને સુરક્ષા જહાજ, બોટ અને સંવેદનશીલ સ્થળોની માહિતી ફોટા અને વિડીયો મારફતે મોકલવામાં આવે છે. તેવી બાતમીના આધારે પોરબંદર સુભાષનગર વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા જતીન ચારણીયા નામના ર૧ વર્ષના યુવાને એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે પકડી પાડયો હતો. અને તે પાકિસ્તાનનો જાસુસ હોવાનું બહાર આવ્યું છે. કારણ કે તેણે સોશ્યલ મીડીયાના માધ્યમથી ભારતીય કોસ્ટગાર્ડ સહીત જહાજોની તસ્વીરો અને અન્ય કેટલીક માહિતી પાકિસ્તાન મોકલી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોરબંદરનો જતીન ચારણીયા નામનો માછીમાર પાકિસ્તાનથી સંચાલીત ‘અદ્વિકા પ્રિન્સ' નામના સોશ્યલ મીડીયા એકાઉન્ટ પર માહિતી મોકલી રહયો છે. એક ટીમે તેના સોશ્યલ મીડીયા અને ફાઇનાન્સ પર નજર રાખી અને પુરાવા એકત્રીત કર્યા છે. આઇપીસી કલમ ૧ર૧ અને ૧ર૦ હેઠળ એટીએસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ઉંડાણથી તપાસ કરવામાં આવતા ગંભીર પ્રકારની વિગતો સામે આવી છે જેમાં આ શખ્સ સોશ્યલ મીડીયા દ્વારા પાકિસ્તાની જાસુસી સંસ્થાને માહિતી આપતો હતો. ઘણા સમયથી તે પોલીસના રડારમાં હતો. પોલીસે કેટલીક વિગતો કન્ફર્મ કરીને હાલ તેની ધરપકડ કરી અદાલતમાં રજુ કરતા સોમવાર ૧૧ વાગ્યા સુધીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
