News of Friday, 24th May 2024
રાણાવાવના હનુમાનગઢમાં કેરીના બાગમાં ઝેરી અસરથી શિલ્પાનું મોતઃ સાસરિયાએ દવા પાઇ દીધાનો આક્ષેપ
જામજોધપુરના વાંસજાળીયાની પરિણીતાના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: છ માસનો પુત્ર મા વિહોણો : પિતા બટુકભાઇ પરમારે કહ્યું- દિકરીને પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સતત મારકુટ કરતાં, જમવાનું આપતાં નહિઃ ઉપલેટા, ગોંડલ સારવાર અપાવ્યા બાદ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૪: જામજોધપુરના વાંસજાળિયા ગામે સાસરૂ ધરાવતી પરિણીતા રાણાવાવના હનુમાનગઢ પાસે પતિ સાસરીયા સાથે કેરીના બગીચામાં હતી ત્યારે ઝેરી અસર થતાં ઉપલેટા, ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. અહિ રાતે દમ તોડી દીધો હતો. તેણીને ઝેરી દવા પી લીધાની વાત જે તે વખતે સાસરીયાએ કરી હતી. જો કે તેણીને દવા પાઇ દેવામાં આવી હોવાનો આક્ષેપ પિતાએ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ જામજોધપુરના વાંસજાળિયા ગામે રહેતી શિલ્પા મહેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ.૨૩) નામની પરિણીતા રાણાવાવ નજીક હનુમાનગઢ પાસે પતિ-સાસરિયાએ કેરીનો બાગ રાખ્યો હોઇ ત્યાં હતી ત્યારે ઝેરી અસર થઇ હતી. તેણી જાતે દવા પી ગયાનું સાસરિયાએ જણાવતાં તેણીની પ્રથમ ઉપલેટા, ત્યાંથી ગોંડલ અને ત્યાંથી રાજકોટ સદ્દભાવનામાં અને છેલ્લે દોશી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં દમ તોડી દીધો હતો. મળતક શિલ્પાબેનના માવતર જામકંડોરણા રહે છે અને લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં છ મહિનાનો દિકરો છે.
પિતા બટુકભાઈ ધરમશીભાઈ પરમારે આક્ષેપો સાથે કહ્યું હતું કે મારી દિકરીને પતિ, તેના સાસુ-સસરા, જેઠ જેઠાણી અને નણંદનો ખુબ ત્રાસ હતો. આ લોકો તેને મારકુટ કરતા હતાં, ઘરમાંથી બહાર નીકળવા દેતા નહિ અને પુરતું જમવા પણ આપતાં નહોતાં. મારી દિકરીએ દવા પીધી નથી પણ તેણીને સાસરિયાએ દવા પીવડાવી દીધી છે. રાણાવાવ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
