<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

કેશોદમાં ગેરકાયદે જવલનશીલ પદાર્થના વેચાણનો પર્દાફાશ, 41.74 લાખનો મુદ્દામાલ કબજે

સ્ટેટ મોનિટરિંગ અને પુરવઠા વિભાગનો દરોડો, 8 શખ્સ અને 2 ટ્રક માલિક સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. 25 : સ્ટેટ મોનિટરિંગ અને પુરવઠા વિભાગે દરોડો પાડીને ગેરકાયદે જવલનશીલ પદાર્થના વેચાણનો પર્દાફાશ, 41.74 લાખનો મુદ્દામાલ કબજે કરી 8 શખ્સ અને 2 ટ્રક માલિક સામે કાર્યવાહી હાથ ધરી હતી.

કેશોદ ખાતે સોમનાથ જૂનાગઢ હાઇવે પર પીપળીયા નગર ત્રણ રસ્તા પાસે જય દ્વારકાધીશ પાનની દુકાનની બાજુમાં ખુલી જગ્યામાં બાયોડીઝલ અને એલડીઓ તરીકે ઓળખાતા શંકાસ્પદ જવલનશીલ પદાર્થનું ગેરકાયદે વેચાણ થતું હોવાની માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્ટેટ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કાફલાએ કરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં ડીઝલ પંપ વિક્રેતા અને ટ્રક ડ્રાઇવરને રાઉન્ડ અપ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈ દિવસ રાત એમ સતત 15 કલાકથી વધુ સમય તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી.

આ સંયુક્ત કાર્યવાહીમાં 12500 લિટર જવલનશીલ પ્રવાહી મળી કુલ રૂપિયા 41,74,570નો મુદ્દામલ કબજે લેવામાં આવ્યો હતો.

તેમજ બહારથી ટેન્કર મારફત સસ્તા ભાવે જવલનશીલ પ્રવાહી મંગાવી અને ખુલી જગ્યામાં રાખેલ જમીનમાં દાટેલ ટેન્કરમાં સંગ્રહ કરી અને અલગ અલગ વાહનોમાં સસ્તા ભાવે ગેરકાયદે ઇંધણ ભરાવી આપવા બદલ કેશોદ તાલુકાના પીપળી ગામના ભાવેશ પુંજાભાઈ રાવલીયા, વેરાવળના વાવડી ગામના મોહમ્મદ હસનભાઈ ચૌહાણ, સીડોકર ગામના રફીકશા અહમદશા બાનવા, વંથલીના ગૌતમ લખમણભાઇ કારેથા, મોહિત ભંગવાનજીભાઈ ત્રાંબડીયા, જગ્યા ભાડે આપનાર તેમજ લોક માલિક સતીશ સરમણભાઇ સોલંકી અને પુનાભાઈ અરજણભાઈ સોલંકી સહિત 10 ઈસમ સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુ તપાસ જુનાગઢ એસઓજીના પીઆઈ પી. કે. ચાવડા ચલાવી રહ્યા છે.

(10:55 AM IST)