News of Saturday, 25th May 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સુસવાટા : ગરમી યથાવત
મહતમ તાપમાનમાં સતત વધારોઃ ગરમીથી લોકો ત્રાહીમામ

રાજકોટ, તા., ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ સાથે પવન ફુંકાઇ રહયો છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : કાળઝાળ ગરમી વચ્ચે જૂનાગઢના હવામાનમાં પલટો આવતાં સવારથી બપોર બફારો વધ્યો છે. બીજી તરફ ગરમી લાગવાથી વધુ ૮ બાળકો સહિત ૧૦ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. શુક્રવારે સૂર્યનારાયણને લોકોની દયા આવી હોય તેમ તેમના કોપમાં ઘટાડો થયો હતો. ગુરુવારે જુનાગઢનો મહત્તમ તાપમાન ૪૪.૬ ડિગ્રી નોંધાયા બાદ શુક્રવારે તાપમાનનો પારો નીચે ઉતરીને ૪૨.૫ ડિગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.
મોડી સાંજ સુધી લોકોને ગરમી સહન કરવી પડી હતી રાત્રિનું તાપમાન ૨૯.૮ ડીગ્રી નોંધાયું હતું. આજે સવારે તાપમાન ૨૭.૭ ડીગ્રીએ સ્થિર થયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહેતા સવારથી બફારો વધ્યો હતો. આજે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૧૦.૬ કિલોમીટરની થઈ ગઈ હતી.
બીજી તરફ આજે સવારે વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને જેની સાથે જ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. વાદળોના કારણે છેક સવારે ૬: ૪૫ કલાકે સૂર્યોદય થયો હતો. આમ સવારથી ગરમી અને બફારોએ માઝા મૂકી છે.
દરમિયાન ગરમી વધવાની સાથે તેના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. હીટવેવનાં કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગરમી લાગવાનાં દર્દીની સંખ્યામાં વધીને ૨૮ની થઈ ગઈ છે.
જુનાગઢ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેડન્ટ ડો. દિગંત શિકોતરાએ જણાવ્યું હતું કે, તા. ૨૩ મે નાં રોજ ગરમી અને લુ લાગવાથી તબિયત લથડતા વધુ ૮ બાળકો અને ૨ પુખ્ત વયની વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. બીજી તરફ ૨૧ મેના રોજ ૫ બાળકો અને તા. ૨૨ મે ના રોજ પણ ૫ ભૂલકાને તેમજ આ બે દિવસમાં ૮ પુખ્ત વયની વ્યક્તિ સિવિલમાં સારવાર હેઠળ હતી. આમ ૨૧ થી ૨૩ મે નાં ૩ દિવસમાં ગરમી, લુ લાગવાના દર્દીઓની સંખ્યા વધીને ૧૮ બાળકો, ૧૦ પુખ્ત સહિત કુલ ૨૮ની થઈ છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
