<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

કચ્‍છમાં ચાલતા અલગ અલગ ગેમઝોનમાં લોલમલોલ

સરકાર અને તંત્ર દુર્ઘટના બાદ કાયદાનો દંડો પછાડે છે : મુન્‍દ્રામાં ચાલતો ફનઝોન નામનો ગેમઝોન જરૂરી એનઓસીને અભાવે સીલ કરાયો : ગાંધીધામમાં રાજહંસ સિનેમા તેમજ ટાગોર રોડ ઉપર આવેલ બે ગેમઝોનમાં સુરક્ષાની અધુરાશો ધ્‍યાને આવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : રાજકોટમાં ડેથઝોન બનેલા ગેમઝોન ની ગોઝારી ઘટનાએ રાજય સહિત દેશભરમાં હાહાકાર સજર્યો છે. ૩૦ જણાના મોતના આ કરુણ બનાવે લોકોમાં ઘેરા શોકનો માહોલ સાથે સરકાર તેમ જ તંત્ર સામે સવાલો સર્જયા છે.ᅠ

ખુદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આ બનાવમાં કડક કાર્યવાહી કરવાની સૂચના પણ પોતાના ટ્‍વીટમાં લખી. જોકે, નિયમોની ઐસીતૈસી કરી કાયદાનો ભંગ કરી ચાલતાં આ ગેમઝોન એ સરકાર અને તંત્રની પોલ ખોલી નાખી છે. બાળ ભૂલકાઓ સહિત અન્‍ય લોકોનો ભોગ લેનાર ગેમઝોનમાં નિયમોનો ભંગ કરાતો હતો ત્‍યારે આ નિયમો ઘડનાર સરકાર અને તંત્ર નિયમોની અમલવારી માટે શું કરી રહ્યા હતા? હવે, રાજયભરમાં ગેમઝોન સામે સલામતી ના નિયમોના પાલન માટેના આપેલા આદેશોએ સરકાર અને તંત્રની પોલ સાવ ખોલી નાખી છે.ᅠ

ભાજપના મોડેલ સ્‍ટેટ એવા ગુજરાતમાં મોટાભાગના ગેમઝોનમાં સલામતીના નિયમો અંગે અનેક ખામીઓ બહાર આવી છે. ત્‍યારે ભુજમાં સેવનસ્‍કાય મોલ ની બાજુમાં અંડરગ્રાઉન્‍ડ ભોંયરામાં ગેમઝોન ચાલુ છે. જે કાયદેસર મંજૂરીને પાત્ર જ નથી. વળી, નગરપાલિકાની મંજૂરી પણ નથી. ભુજ નજીક માધાપર ગામે પણ આ જ રીતે મંજૂરી વગર અંડરગ્રાઉન્‍ડ ભોંયરામાં મંજૂરી વગર ગેમઝોન ચાલુ છે.ᅠ ᅠ ᅠ

જયારે મુન્‍દ્રામાં ચાલતો ફનઝોન નામનો ગેમઝોન જરૂરી એનઓસી ને અભાવે સીલ કરાયો છે. ગાંધીધામમાં રાજહંસ સિનેમા તેમ જ ટાગોર રોડ ઉપર આવેલ બે ગેમઝોનમાં સુરક્ષાની અધુરાશો ધ્‍યાને આવી હતી. જોકે, કચ્‍છમાં તંત્ર એ બેઠક બોલાવી કડક કાર્યવાહીની સૂચના આપ્‍યા બાદ કેટલા ગેમઝોન સીલ કરાયા અથવા તો કાર્યવાહી કરાઈ એ અંગે સત્તાવાર યાદી હજી જાહેર કરાઈ નથી.

(11:27 AM IST)