News of Monday, 27th May 2024
મોરબીમાં એકપણ ગેમઝોન પાસે ફાયર NOC કે જરૂરી મંજૂરી જ નથી
રાજકોટની કરૂણાંતિકા પછી મોરબીનું તંત્ર એકશનમાં : ૪ ગેમ ઝોન બંધ કરાવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : રાજકોટના ગેમ ઝોનમાં શનિવારે સાંજે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેમ ઝોન બળીને ખાખ થતા અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તાકીદના એક્શન લેવામાં આવ્યા હતા અને મોરબીમાં જીલ્લા કલેકટરના આદેશ બાદ ચાર ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા હતા.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પગલે જીલ્લા કલેકટર દ્વારા ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા જેથી પાલિકાની ટીમ અને ફાયર ઓફિસર સહિતની ટીમો ગેમ ઝોન બંધ કરાવવા પહોંચી ગઈ હતી જેમાં મોરબી ખાતે આવેલ થ્રિલ ચીલ, યોગાટા, લેવલ અપ અને પપ્પાજી ફન વર્લ્ડ નામના ગેમ ઝોનને બંધ કરાવવામાં આવ્યા હતા તેમજ અન્ય કોઈ સ્થળોએ ગેમ ઝોન ચાલુ હશે તો પાલિકાની ટીમ તે પણ બંધ કરાવશે તેમ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડમાં ૩૦થી વધુ નિર્દોષ લોકો હોમાઈ જતા રાજ્ય સરકારના આદેશ બાદ મોરબી જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ કરી મોરબી મામલતદાર, આર એન્ડ બી, ફાયર ઓફિસર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓની બે અલગ - અલગ ટીમની રચના કરી કુલ ૧૨ અધિકારીઓને તપાસ માટે દોડાવતા મોરબીમાં ધમધમતા યોગાટા, લેવલ અપ અને થ્રિલ એન્ડ ચિલમાંથી એક પણ ગેમઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતાએ જણાવ્યું હતું.
બીજી તરફ મોરબી જિલ્લા કલેકટરની ટીમે મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં આવેલ સિનેમાઘર, મોલ અને ગેમઝોન સહિતની ૧૫ જગ્યાએ તપાસ બાદ હાલમાં ત્રણેય ગેમઝોનના સંચાલકોને ધંધા બંધ કરાવી દીધા હોવાનું અને ફાયર એનઓસી, સ્ટ્રક્ચર એનઓસી સહિતની પરવાનગી ન મળે ત્યાં સુધી ગેમઝોન બંધ રાખવા મામલે લેખિતમાં બાંહેધારી મેળવી હોવાનું સામે આવ્યું છે, આヘર્ય તો એ વાતનું છે કે, સિનેમા, મોલ કે ગેમઝોનમાં ફાયર એનસોસી આપવાની જેમની જવાબદારી છે તેવા પાલિકા તંત્રએ કદી પણ ગેમઝોનમાં આ મામલે તપાસ શુધ્ધા ન કરી હોવાનું સામે આવ્યું છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
