તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 29th May 2024
ભુજના કુખ્યાત બુટલેગરને છરી વડે વેંતરી ત્રણેય હત્યા કરનારા ફરાર
અમદાવાદ જેલમાં દોસ્તી થઈ ભુજમાં દેશી દારૂના ધંધામાં લાવ્યો, સાસુ સાથે ઘરઘેણું કરાવ્યું અંતે એ જ બન્યો કાતિલ...

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : ભુજમાં સરકારી કચેરીઓ, હોસ્પિટલ અને પોલીસ ક્વાર્ટર પાસેજ વર્ષોથી દેશી દારૂનો અડ્ડો ચલાવનાર કુખ્યાત બુટલેગર ની હત્યાના બનાવે શહેરમાં ચકચાર સર્જી છે. જોકે, હત્યા કરનાર ત્રણેય હત્યારાને હજી પોલીસ પકડી શકી નથી.
ભુજમાં દેશી દારૂના કુખ્યાત બુટલેગર એવા પિતા હાસમ કેવરના મોત બાદ દેશી સાથે વિદેશી દારૂનો કારોબાર ચલાવતા બુટલેગર ઇબ્રાહિમ હાસમ કેવરની હત્યા ક્રાઈમ વેબ સીરીઝ જેવી છે. પાસા હેઠળ ઝડપાયેલ ઈબ્રાહીમ નો પરિચય અમદાવાદ જેલમાં ડબલ મર્ડર ની સજા ભોગવતા બશીર પઠાણ સાથે થયો હતો.
ઈબ્રાહીમ બશીરને ભુજ લઈ આવ્યો અને પોતાના સાથે દારૂના અડ્ડા માં રાખ્યો. દરમ્યાન ઈબ્રાહીમ એ પ્રથમ પત્નીને તલ્લાક આપ્યા બીજી યુવતી હીના સાથે લગ્ન કર્યા. પોતાની બીજી પત્ની હીનાના પિતા ગુજરી જતાં પોતાની સાસુ જાસ્મીન સાથે બશીરના નિકાહ કરાવ્યા. આમ, ઈબ્રાહીમ થકી બશીરને ધંધો તેમ જ બૈરી જાસ્મીન બન્ને મળ્યા. પણ, અત્યારે ૧૫ દિ પહેલાં સુરત જેલમાંથી છૂટેલા ઈબ્રાહીમ અને તેની સાસુ, સસરા વચ્ચે પૈસાની લેણદેણ મુદ્દે ઝગડો થયો. દેશી દારૂના ધંધા થકી મોટી આવક રળતાં આ પરિવારમાં પૈસા થકી થયેલ ઝઘડો લોહિયાળ બન્યો. પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ એક્ટિવા માટે આ ઝઘડો થયો હતો. બશીર, તેની પત્ની અને દીકરો અકબર ઈબ્રાહીમના ઘેર આવ્યા હતા. ફોન ઉપર જ માથાકૂટ થઈ હોઈ ઈબ્રાહીમએ ઘરનું મોટું ગેટ બંધ રાખી નાનું ગેટ ખુલ્લું રાખ્યું હતું. દરમ્યાન છકડામાં આવેલા બશીર, જાસ્મીન અને અકબરે ઇબ્રાહીમની માતા શકીના ઉપર છરી વડે હુમલો કરતા તેને બચાવવા જતાં તેને સાસુ, સાળાએ પકડી રાખ્યો હતો અને સસરા બશીરે છરીના ઘા વડે વેંતરી નાખ્યો હતો.
સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો પણ તેનું મોત નિપજ્યું હતું. જોકે, ત્રણેય હત્યા કરનારા સસરો બશીર સાસુ જાસ્મીન અને સાળો અકબર ફરાર છે. પોલીસે ઈબ્રાહીમની માતા શકીનાએ કરેલ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
