News of Wednesday, 29th May 2024
જામજોધપુરના બગધરામાં શનીવારથી શ્રીરામ મંદિર આયોજીત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નુતન મંદિરનું ઉદ્ઘાટન
રામ દરબારની મૂર્તિ સાથે શોભાયાત્રા, સમુહ રાસોત્સવ, સત્સંગ કથા, યજ્ઞઃ સાધુ સંતોની ઉપસ્થિતીમાં સંતોનું ભાવપૂજન દાતાઓનું સન્માન કરાશેઃ ગામનું ધુવાડાબંધ જમણવાર કાર્યક્રમ અંગે વિગતો આપતા લોકગાયક ડો. વર્ષા મહેતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯ :.. જામજોધપુર નજીક આવેલ બગધરા ગામે ગ્રામજનો તથા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા આગામી ૧ લી જુન શનીવારથી ૩ જુન સોમવાર સુધી શ્રીરામ મંદિર બગધરા આયોજીત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ નુતન મંદિરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમ અંગે વિગત આપતા રાજકોટના લોકગાયિકા અને બગધરા મહેતા પરિવારાન દિકરી ડો. વર્ષા મહેતાએ જણાવ્યું હતું કે, રામ મંદિરએ હિન્દુ સંસ્કૃતિનું ધબકતુ હૃદય છે. મંદિર એ મોક્ષનું સદાવ્રત સંસ્કાર કેન્દ્ર છે.
બગધરા ગામમાં વર્ષો પૂર્વે મંદિર બાંધી શ્રીરામ ભગવાનની સ્થાપના થઇ હતી. આ મંદિર જીર્ણ થતા નુતન મંદિરની આવશ્યકતા ઉભી થઇ તેથી મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનની અસીમકૃપાથી પૂ. સાં. યો. ગીતાબા, પુ. સાં. યો. રાધાબા (શ્રી સ્વામીનારાયણ મહિલા મંદિર ખંભાત) ની પ્રેરણાથી તેમજ બગધરા માતૃભૂમિ દાનવીર દાતાઓના સહયોગથી કલાકૃતિ યુકત નુતન મંદિર તૈયાર કરવામાં આવ્યું છે.
આ મંદિરના ઉદ્ઘાટન પ્રતિષ્ઠા પ્રસંગે યજ્ઞ, સત્સંગ, ધાર્મિક, વિવિધ કાર્યક્રમોનું આયોજન તા. ૧ જુનથી ૩ જુન સુધી કરવામાં આવેલ છે.
આ જ્ઞાનયજ્ઞમાં પુ. ગીતાબા, પુ. રાધાબા, સત્સંગ કથામૃતનું રસપાન કરાવશે.
આ મહોત્સવમાં સાધુ સંતો, પૂ. ધર્મનંદસ્વામી, ઉપલેટા તેમજ ધુનડાથી પૂ. જગુરામબાપા દાણીધારથી, પૂ. સુખદેવબાપુ પધારી આશિવર્ચન આપશે. અને યજ્ઞ સહિત પ્રતિષ્ઠાની વિધી આચાર્ય બીપીનભાઇ જોષી, પોરબંદર સાંદીપની તથા ઋષીકુમારો કરાવશે.
આ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય યજમાન તરીકે મહેતા પરિવાર સેવા આપી રહ્યો છે. અને મંદિરના બાંધકામમાં સમસ્ત બગધરા ગ્રામજનો આર્થિક યોગદાન આપ્યું છે.
શનીવારે સવારે ૮ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને રામ દરબારની મૂર્તિ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નિકળશે. રાત્રે ૯ કલાકે માણીમા રાજગોર બ્રહ્મ સમાજ ખાતે ભાઇઓ બહેનો યુવાનોનો સમુહ-રાસ રવિવારે બપોરે ૪ થી ૬ પુ. ગીતાબા તથા પૂ. રાધાબાના શ્રીમુખે સત્સંગ કથા વાર્તા રાત્રીના ૯ કલાકે સાધુ-સંતોના આશિર્વાદ ભાવપૂજન અને દાતાઓનું સન્માન સોમવારે યજ્ઞની પુર્ણાહૂતી તથા મંદિર ઉદઘાટન અને રામ દરબારની પ્રતિષ્ઠા વિધી સવારે ૧૧ થી ૧ર-૩૦ કલાકે ત્યારબાદ બપોરે ૧ વાગ્યે સમસ્ત ગ્રામજનોનો સમુહ ભોજન પ્રસાદ ધુવાડા બંધ ગામનો જમણવાર બ્રહ્મસમાજ ખાતે યોજાશે અને આ ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહૂતિ થશે.
તો આ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા બગધરાની ધર્મપ્રેમી જનતાને આયોજકો વતી ડો. વર્ષા મહેતાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
