News of Thursday, 30th May 2024
ચારણ સમાજના મોભી અને કચ્છના પ્રગતિશીલ સામાજિક અગ્રણી વાલજીભાઈ ગઢવીનું દુઃખદ નિધન
પૂ. આઈ સોનલ મા સાથે રહીને સમાજમાં ક્રાંતિ આણી, રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી સહિતના આગેવાનોએ શ્રધ્ધાંજલિ અર્પી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત અખિલ કચ્છ ચારણ સમાજના મોભી વાલજીભાઈ ગઢવીનું ૯૫ વર્ષની જૈફ વયે વતન મોટી સિંધોડી (અબડાસા,કચ્છ) મધ્યે નિધન થતાં શોકનું મોજું ફરી વળ્યુ છે. જ્યારે કચ્છ જેવા છેવાડાના જિલ્લામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિનો અભાવ હતો ત્યારે ૭૫ વર્ષ પૂર્વે ધોરણ ૧૦ એસએસસી તેમણે પાસ કરી હતી. ત્યારબાદ ખેતી સાથે તેમણે વતન સિંધોડી સહિત કચ્છભરમાં સામાજિક સેવાકાર્યો શરૂ કર્યા હતા. પૂ. આઈ શ્રી સોનલ મા ના કચ્છમાં પ્રવાસ દરમ્યાન સાથે રહી તેમણે ચારણ સમાજમાં સામાજિક જાગૃતિ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આણી હતી. તેઓ ભારતીય ચારણ સમાજના ઉપપ્રમુખ તેમ જ કચ્છ ચારણ સમાજના પ્રમુખ રહી ચૂક્યા હતા. રાજસ્થાન ચારણ સમાજે તેમને 'કચ્છ કેસરી' નું બિરૂદ આપ્યું હતું. ભારતીય જનસંઘ ઉપરાંત વિશ્વ હિન્દુ સભાના અબડાસા તા.ના પ્રમુખ રહી ચૂક્યા હતા. કેન્દ્ર સરકારના ઘેટાં અને ઉન વિભાગના ડાયરેકટર તરીકે સેવા આપતી વેળાએ તેમણે ભારત વતી વિદેશ પ્રવાસ કરી વિદેશના પશુપાલકો સાથે પશુધન અંગે ના પોતાના અનુભવો નું આદાનપ્રદાન કર્યું હતું. કચ્છના વરિષ્ઠ ધારાશાસ્ત્રી દેવરાજભાઈ ગઢવી, અબડાસા તા.ના ભાજપના અગ્રણી કાનજીભાઈ ગઢવી, તેમ જ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે કાર્યરત ચંદુભાઈ ગઢવીના તેઓ પિતા હતા. સ્વ. વાલજીબાપા ને સમસ્ત કચ્છના વિવિધ સમાજના સામાજિક આગેવાનોએ ભાવભેર શ્રધ્ધાસુમન અર્પણ કરી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, રાજકોટ ભાજપના પૂર્વ પ્રભારી અને કચ્છના પૂર્વ સાંસદ એડવોકેટ પુષ્પદાનભાઈ ગઢવી, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ દેવરાજ કરસન ગઢવી, પૂર્વ પ્રમુખ અને નિવૃત્ત પી.આઈ. વિજય ગઢવી સહિતના અન્ય આગેવાનોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી ઘેરો શોક વ્યક્ત કર્યો છે. આવતીકાલે શુક્રવારે સાંજે ૪/૩૦ થી ૫/૩૦ મોટી સીંધોડી ગામે જ્યારે શનિવારે ભુજમાં ચારણ સમાજવાડી મધ્યે સાંજે ૪/૩૦ થી ૫/૩૦ તેમની પ્રાર્થના સભા રખાઈ છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
