News of Thursday, 30th May 2024
ભુજના કુખ્યાત બુટલેગર ઈબ્રાહીમની હત્યા કરનાર બશીર અને જાસ્મીન ઝડપાયા
એક્ટિવા માટે કે પછી દેશી દારૂની ધંધાકીય લેતીદેતીમાં હત્યા? લોકોમાં ચર્ચા, હજી એક આરોપી ફરાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : જિલ્લા મથક ભુજના પ્રવેશદ્વાર સમા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સરકારી જી.કે. જનરલ હોસ્પિટલ પાસે વર્ષોથી દેશી દારૂનો અડ્ડો ચલાવતા કુખ્યાત બુટલેગર ઈબ્રાહીમ હાસમ કેવરની હત્યા કરનાર ત્રણ પૈકી બે આરોપી પોલીસે ઝડપી લીધા છે. પિતા હાસમ કેવરના મોત બાદ માતા શકીના સાથે ઈબ્રાહીમ દારૂનો અડ્ડો ચલાવતો હતો. અનેકવાર પાસા હેઠળ જેલ અને પોલીસ કેસનો સામનો કરી ચૂકેલ ઈબ્રાહીમે જેને આશરો આપ્યો અને પોતાની સાસુ સાથે ઘરઘેણું કરી પરણાવ્યો હતો એ બશીર સુલતાન પઠાણ જ તેનો કાતિલ બન્યો. પાસા હેઠળ સુરત જેલમાં કેદ ઈબ્રાહીમ તાજેતરમાં જ જેલમાંથી છૂટ્યો હતો. તેની ગેરહાજરી દરમ્યાન તેની માતા શકીના સાથે બશીર અને જાસ્મીન બન્નેનો ઝઘડો થયો હતો. ભુજમાં દારૂનો અડ્ડા ના હિસાબની લેતીદેતી બાબતે બોલાચાલી થતા શકીનાએ બશીર ને કાઢી મૂકતાં તેને તથા ઈબ્રાહીમ ને મારી નાખવાની ધમકી બશીર અને તેની પત્ની જાસ્મીન એ આપી હતી. જે અનુસંધાને બશીર, જાસ્મીન અને અકબર ત્રણેય બુટલેગર ઈબ્રાહીમ ને ઘેર ગયા હતા ત્યાં શકીના ઉપર છરી વડે હુમલો કરતાં પુત્ર ઈબ્રાહીમ માતાને બચાવવા વચ્ચે પડ્યો ગયો. આ ઝઘડો ઉગ્ર થતાં ઈબ્રાહિમને તેની સાસુ જાસ્મીન તેમ જ સાળા અકબરે પકડી રાખ્યો અને સસરા બશીરે મોટા ધારદાર છુરા વડે તેને વેંતરી નાખ્યો. હત્યા બાદ ત્રણેય ભાગી ગયા હતા. સમગ્ર ભુજ સહિત કચ્છમાં ચકચાર સર્જનાર કુખ્યાત બુટલેગરની હત્યાના બનાવ બાદ હરકતમાં આવેલ પોલીસે આરોપીઓના સગડ દબાવ્યા હતા. અંતે બશીર સુલતાન પઠાણ અમદાવાદથી જ્યારે જાસ્મીન ભૂજમાંથી ઝડપાઈ હતી. જોકે, હજી એક આરોપી અકબર સમેજા ફરાર છે. આજે ભુજ એ ડિવિઝન પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે. હત્યાનું કારણ એક્ટિવા ની લેતીદેતી છે કે દારૂના ધંધાની લેતીદેતી એ અંગે રિમાન્ડ દરમ્યાન પૂછપરછ કરાશે. જોકે, પોલીસ ફરિયાદમાં એક્ટિવા ની માલિકી માટે હત્યા કરાઈ હોવાનું જણાવાયું છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
