News of Thursday, 30th May 2024
બાંટવામાં ખંડેર મકાનમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ : ૭ પકડાયા, ૩.૧૧ લાખનો મુદ્દામાલ કબજે
સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, ૮ શખ્સો નાસી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩૦: બાંટવામાં ખંડેર મકાનમાં ચાલતા જુગારધામનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કરી ૭ શખ્સને ૩.૧૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન ૮ શખ્સો નાસી જતાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવામાં જાપા વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં બાંટવાના નગા કરણાભાઈ મોરી અને ધોરાજીના અમીન ઉર્ફે ભોલો ઈબ્રાહીમ ગરાણાએ જુગારધામ શરૂ કર્યું હોવાની માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન ધોરાજીનો સબીર ઈબ્રાહીમ ગરાણા, જુનાગઢનો મેરામણ રૈયાભાઈ ગરચર, બાટવાનો અજય થાવરદાસ મોરવાણી, માંગરોળનો હારુન મોહમ્મદ ગુજરાતી, ભરૂચનો ગૌરવ વિનોદ માંડલિયા, પાટણવાવનો કિશન મુકેશભાઈ પેથાણી, મૈયારી ગામનો જીવાભાઈ રામભાઈ વદર સહિત ૭ ઈસમને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.
જ્યારે જુગારધામનો સંચાલક નગા કરણાભાઈ મોરી અને ધોરાજીના અમીન ઉર્ફે ભોલો ઈબ્રાહીમ ગરાણા સહિત ૮ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા.
આ કરી કાર્યવાહીમાં જુગારીઓ પાસેથી રૂપિયા ૮૬.૫૫૦ની રોકડ, ૭ મોબાઈલ, ૧ કાર અને ૪ બાઈક સહિત કુલ રૂપિયા ૩,૧૧,૫૫૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
