<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ધ્રોલમાં ચારમાંથી ત્રણ આધારકાર્ડ કેન્દ્ર બંધ : લોકો શું અપેક્ષા રાખે !

ડીઝીટલ ઇન્ડીયાના સપના વચ્ચે ધ્રોલના ૪૨ ગામડાના લોકોને ભારે હાલાકી કોણ બોલશે ? હવે હદ થઈ ગઈ છે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૩૦: ધ્રોલ લગભગ છેલ્લા ચાર માસથી આધારકાર્ડના સેન્ટરો બંધ થવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર અને ૪૨ ગામો ધરાવતા તાલુકા સેન્ટરમાં છેલ્લા લાંબા સમયથી ચાર સેન્ટરોમાંથી એક માત્ર આધાર સેન્ટર ચાલુ છે. આથી ત્યાં પણ આધાર કાર્ડ નવા બનાવવા, સુધારાઓ કરવા જેવી કામગીરી માટે લોકોને કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવું પડતુ હોય છે. આથી ધ્રોલ શહેર સહિત તાલુકાભરની જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. તંત્રની નીતિરીતી સામે સવાલો ઉભા છે. ધ્રોલ શહેર સહિત ૪૨ ગામો અને અંદાજે સવા લાખની વસ્તી ધરાવતા તાલુકામાં ધ્રોલ તાલુકા મથકે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોષ્ટ ઓફીસ અને ગ્રામીણ બેંક ખાતે એમ ચાર આધાર કાર્ડનાં સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા હતા. પરંતુ ધ્રોલ તાલુકાની કમનસીબીના કારણે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનાં આધાર સેન્ટર ફેબ્રુઆરી માસથી બંધ છે. જોકે, વચ્ચે ગત માર્ચ મહિનામાં એકવખત ચાલુ થયા હતા. ત્યારબાદ ફરી બંધ થઈ ગયા છે. આથી લોકોમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે. એક માત્ર ગ્રામીણ બેંક ખાતેનું આધાર સેન્ટર ચાલુ છે. ત્યાં પણ માંડ રોજ ૩૦ થી ૩૫ વ્યકિતઓ માટે કામગીરી થઈ શકે છે. તેમાંય ટોકન સીસ્ટમ હોવાથી ટોકન ન મળતા ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા ઘણા બધા લોકોને પરત જવું પડે છે, અવારનવાર ધક્કા ખાવાપડે છે. આ પ્રશ્નનો તાત્કાલીક ધોરણે નિકાલ આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે

(11:39 AM IST)