તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
ગાંધીધામમાં ત્રણ અને અંજારમાં એક ગેમઝોનને કરાયું સીલઃ સંચાલક સામે ફાયર સેફટી યોગ્ય ન હોવાની ફરીયાદ

ગાંધીધામ: ગાંધીધામ અને વડા મથક અંજારમાં પણ હવે રાજકોટ અગ્નિકાંડવાળા ગેમ ઝોનના પડઘા પડતા હોય તેમ કાર્યવાહી શરૂ કરી નાખવામાં આવી છે જેમાં ગાંધીધામમાં ૩ અને અંજારમાં એક એમ કુલ ૪ ગેમ ઝોનને સીલ મારી સંચાલક વિરુદ્ધ ફાયર સેફ્ટી યોગ્ય ન હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર અંજાર શહેરના સવાસર નાકા તળાવ પર આવેલ ફન પ્લેક્સ ગેમ ઝોન પર તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ગેમ ઝોનમાં લાઇટ ફીટીંગમાં વાયરિંગ જોખમી, એક્ઝિટ ગેટનો અભાવ, ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ, ગેલ્વેનાઈઝ શેડના કારણે વાયરિંગ જોખમી છે અને થ્રી ફેઝ વીજ જોડાણ માટે અલગ રૂમની વ્યવસ્થા નથી તેમજ શેડની મંજૂરી લીધી ન હોવાથી અંજાર પોલીસના હેડ કોન્સટેબલ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગેમ ઝોનના સંચાલક હિમાંશુ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ ગાંધીધામ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકથી માત્ર ૫૦૦ મીટર દૂર ગુરકુળ વિસ્તારમાં ડીસી-બેમાં આવેલા આદિત્ય મોલ-રાજહંસ સિનેમા પાસેના ગેમઝોનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગેમઝોનમાં મનોરંજન પ્રીમાઈસીસ પ્રમાણપત્ર ન હોવા છતાં ચાલુ રખાતાં માલિક સાગર રાજેશ રાજગોર (રહે. મેઘપર-બોરીચી) વિરુદ્ધ કોન્સ્ટેબલ દિલીપભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તેવી જ રીતે આ જ પ્રિમાઈસિસમાં આરોપી ધાત્રીબેન દેવેન્દ્ર ઠક્કર દ્વારા પોતાના સ્માર્ટ કિડ્સ પ્લે ઝોનમાં મનોરંજન પ્રિમાઈસિસ સટફિકેટ અને એક્ઝિટ ગેટના અભાવ બાબતે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત ઓમ સિનેમાં પાસે ઔર બિલ્ડીંગના પહેલા માળે આવેલા આવેલા ગેમ બોક્સ ગેમ ઝોનમાં પ્રિમાઈસિસ મંજૂરી ન હોવા ઉપરાંત એક્ઝિટ ગેટ પણ ન હોવાથી ગેમ ઝોનના સંચાલક પ્રશાંત અનિલભાઈ ગજ્જર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
