તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
ભાવનગરથી કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા :હાથમાં તલવાર, ધારિયા,અને ધોકા સાથે ટોળું ટોલનાકા પર તૂટી પડ્યું
અસામાજિક તત્વોની આ આખીયે કાળી કરતૂત ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ

ભાવનગરથી કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે. કોબડી ટોલનાકા પરથી સામે આવી રહ્યા છે. શનિવારના રોજ ધોળા દિવસે કેટલાંક બેફામ તત્વોનું ટોળું હાથમાં તલવાર, ધારિયા, પાઈપો, અને ધોકા જેવા હથિયારો સાથે ટોલનાકા પર ધસી આવ્યું હતું. એટલું જ નહીં તેમણે અહીં મોટાપાયે તોડફોડને અંજામ પણ આપ્યો હતો. અસામાજિક તત્વોની આ આખીયે કાળી કરતૂત ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. દૃશ્યોમાં દેખાઈ રહેલાં “બેફામ તત્વો”ના ચહેરા જ એ જણાવી રહ્યા છે કે જાણે તેમને કાયદો કે વ્યવસ્થાનો કોઈપણ પ્રકારનો ભય જ નથી.
જ્યાં બબાલ મચી તે ભારત સરકારનો ટોલ પ્લાઝા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલો છે. કહેવાઈ રહ્યું છે કે કેટલાંક લોકોને ટોલનાકાના કર્મચારી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઝઘડામાં પરિણમી અને પછી તો મામલો બીચકતા પંદરેક વ્યક્તિનું ટોળું હથિયારો સાથે ટોલ પ્લાઝા પર ધસી આવ્યું હતું. ટોળાએ એ હદે ઉત્પાત મચાવ્યો કે ત્યાંથી પસાર થતાં લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું
મુદ્દો એ છે કે આ ઘટના ધોળા દિવસે બની હતી. ગુંડા તત્વોએ સરકારી મિલ્કતને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું. તેની સાબિતી રૂપ CCTV ફૂટેજ પણ તમારી સામે છે. જો કે ઘટનાના 30 કલાક સુધી ભાવનગરની વરતેજ પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાના અને FIR પણ ન નોંધી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તેના આધારે હવે ફરિયાદ નોંધવામાં આવી છે. છતાં આક્ષેપ કરાઈ રહ્યો છે કે વરતેજ પોલીસ સામાન્ય કલમો મુજબ જ ગુનો દાખલ કરીને જાણે ભીનું સંકલેવાનો પ્રયાસ કરી રહી છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
