News of Monday, 3rd June 2024
ખારવા સમાજમાં શિક્ષણ- રોજગાર વધારવાનો સંકલ્પ
પોરબંદરમાં ગુજરાત ખારવા સમાજનું વાર્ષિક અધિવેશન મળ્યું: કચ્છથી લઇને મુંબઇ ખારવા સમાજના પ્રમુખો- આગેવાનો ઉપસ્થિત રહયાં: સમાજના અન્ય અણઉકેલ પ્રશ્નો ઉકેલવા ચર્ચા

ગુજરાત ખારવા સમાજના વાર્ષિક અધિવેશનનો પ્રારંભ પ્રમુખ પવનભાઇ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઇ કુહાડાના હસ્તે દીપ પ્રાગટય કરેલ હતું તે તસ્વીર..
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩: ગુજરાત સમસ્ત ખારવા સમાજનું વાર્ષિક અધીવેશનનો ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઇ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઇ કુહાડા તથા આગેવનોના હસ્તે દીપ પ્રાગટય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખારવા સમાજમાં શિક્ષણ અને રોજગારનું પ્રમાણ વધે તેવા પ્રયત્નો કરવા ખારવા સમાજના આગેવાનોએ સંકલ્પ ગુજરાત ખારવા સમાજના અધિવેશનમાં કરવામાં આવ્યો હતો.
ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગામ) નુ વાર્ષિક અધિવેશન રતન સાગર હોલ, પોરબંદર મુકામે રાખવામા આવેલ હતુ. તેમા કચ્છ થી લઈને મુંબઈ ખારવા સમાજ ના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમા ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના લોક હિતાર્થે ચર્ચા-વિચારણા કરવામા આવેલ હતી. વિશેષમા શિક્ષણ, અને રોજગાર, વિષે ઉંડાણ પૂર્વક ચર્ચા થયેલ. બહારગામ અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાઓ ઉભી કરવી તેના માટે એક કમીટી બનાવી આ કાર્ય વ્હેલીતકે પૂર્ણ કરવુ, જે લોકો રમત-ગમત ક્ષેત્ર મા રુચી ધરાવતા હોય તેમને સમાજ દ્વારા આગળ વધી શકે તેમના માટે પ્રોત્સાહીત કરનારા આયોજનો સમાજ દ્વારા કરવામા આવશે. અન્ય સમાજ ખેતીની જમીન માટે ખાતેદાર બની શકે છે જયારે પરંપરાગત સાગરખેડુઓને કળષિ ની અંદર સમાવેશ કરવામા આવેલ હોય તેવા પરંપરાગત સાગરખેડુઓને જમીન ઉપર ખેતી કરવાના અધીકાર મળવા જોઈએ અને તેઓ ખેતીની જમીન ખરીદી કરી શકવા જોઈએ.
હાલમા દરીયાઈ પ્રદુષણને કારણે માછીમારીના વ્યવસાયમા ખુબજ મંદી હોવાથી મત્સ્યસંપદા યોજના હેઠળ ઈન્લેન્ડ ફીશીંગ માટે સરકારશ્રી એ સાગરખેડુ ને જમીન રાહતદરે (ટોકનદરે) ફાળવવી જોઈએ. તેવી ચર્ચા થયેલ. અને આવનારા દિવસોમા ગુજરાત સમસ્ત ખારવા સમાજનુ મહાસંમેલન કરવા બાબતે પણ ચર્ચા કરવામા આવેલ. અને ઠરાવો પસાર કરવામા આવેલ હતા. તેમજ સમાજ ના આંતરીક પ્રશ્નો બાબતે પણ ખુબ વિચાર કરીને આગેવાનો દ્વારા પોતાના અનુભવ અને આગવી સુઝ-બુઝ થી તેમનો હલ કાઢવામા આવેલ હતો.
આ મીટીંગ મા ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગામ) ના પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ - પોરબંદર, ઉપપ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા-વેરાવળ, પોરબંદર ખારવા સમાજ ના ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ જુંગી, માંગરોળ ખારવા સમાજ ના પ્રમુખ પરષોત્તમભાઈ ખોરાવા, જાફરાબાદ ખારવા સમાજ ના પ્રમુખ ભગુભાઈ સોલંકી, વણાકબારા ખારવા સમાજના પ્રમુખ કિર્તીભાઈ ગોહેલ, ઓખા ખારવા સમાજ ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઘોઘલા ખારવા સમાજ ના પ્રમુખ ભરતભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના દરીયાઈ વિસ્તાર તથા શહેરી વિસ્તારમા વસવાટ કરતા જામનગર, દ્વારકા, માંડવી, મુંબઈ, ભીડીયા, મુન્દ્રા, નવીબંદર, સુરત, જામસલાયા, સીક્કા, માંડવીસલાયા, ઉના, દિવ, મુળદ્વારકા, સુત્રાપાડા, નવાબંદર, માધવાડ, ધામરેજ, વરવાડા, આરંભડા, મીઠાપુર, બેટદ્વારકા, પોશીત્રા, ગાંધીધામ, ચોરવાડ, ખંભાત, ભરૂચ, અમદાવાદ, બરોડા અને તમામ નાના-મોટા ગામો ના પટેલો તેમજ પોરબંદર ખારવા સમાજના માજી વાણોટશ્રી પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટશ્રી હરજીવનભાઈ કોટીયા, માજી વાણોટશ્રી સુનિલભાઈ ગોહેલ, તથા પોરબંદર ખારવા સમાજના પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, પોરબંદર માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આવનારા દિવસો મા સમાજ ને વિકાસ ના પંથે તેમજ રાજકીય ક્ષેત્રે કેવી રીતે આગળ લઈ જવો? તેની ગંભીરતા પૂર્વક ચર્ચાઓ કરેલ હતી. આ અધિવેશનમાં તમામ પટેલો/પ્રમુખો દ્વારા સમાજ ના વિકાસ માટે આધુનીક ટેકનોલોજી ના યુગ મા કદમ થી કદમ મીલાવી આગળ વધવા બાબતના સુચનો કરવામા આવેલ હતા.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
