<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ગોંડલના ગણેશ જાડેજા વિરૂધ્‍ધના કેસમાં ૩ ની ધરપકડઃ કાર જપ્‍ત

મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્‍ચે જસદણના અતુલ પ્રેમસાગર કઠેરીયા, ફેજલ ઉર્ફે પાવલી પરમાર, ઇકબાલ હારૂનભાઇ ગોગદાને પકડયાઃ અન્‍ય આરોપીઓની શોધખોળઃ જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, એસ.પી. હર્ષદ મહેતાની

તસ્‍વીરમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ, કાર તથા પોલીસ ટીમ નજરે પડે છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)આગેવાનીમાં તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ  તા. ૦૩: ગોંડલના ધારાસભ્‍યના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૦ શખ્‍સો વિરુદ્ધના કેસમાં ક્રાઈમ બ્રાન્‍ચે ૩ શખ્‍સોની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી હાથ ધરી છે.જૂનાગઢના કોરીયોગ્રાફર સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી નામના યુવકને સામાન્‍ય બાબતમાં ગોંડલ ખાતે ઉઠાવી જઇ અપહરણ કરી કપડાં ઉતરાવી બેફામ માર મારી વિડીયો ઉતારી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કર્યાની ફરિયાદ થઈ હતી.

આ ફરિયાદના આધારે ગોંડલના ધારાસભ્‍યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત ૧૦ શખ્‍સો સામે હત્‍યાની કોશિશ, એટ્રોસિટી એક્‍ટ સહિતની કલમ મુજબ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયો હતો.  આરોપીઓને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસવડા હર્ષદ જોશીની સૂચનાથી  પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમ્‍યાન મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઇ જે. જે. પટેલ અને તેમની ટીમે ૩ શખ્‍સોને ઉઠાવી લઈ ધરપકડ કરી હતી અને આ ઇસમો પાસેથી એક કાર પણ કબજે કરવામાં આવી હતી. આ અંગેની માહિતી બપોર બાદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે. બીજી તરફ ગણેશ જાડેજા સહિતના આરોપીઓની અટકાયત માટેની તજવીજ શરૂ કરી આવી છે. જૂનાગઢ શહેર  એ ડીવીઝન પો.સ્‍ટે. વિસ્‍તારમાં બનેલ એટ્રોસીટી વીથ ખુનની કોશીષના બનાવ અંગેની ટુંક વિગત પ્રાપ્ત માહિતી મુજબ    ફરીયાદી સંજય ઉર્ફે ચંદુ રાજુભાઇ બાવજીભાઇ સોલંકી અનુ.જાતિ. ઉવ.૨૬ ધંધો કોરીયોગ્રાફર રહે. જુનાગઢ દાતાર રોડ આર્ય સમાજ પાસે અમર કમાન ગેરેજની બાજુમાં વાળા પોતાની મોટર સાયકલ લઇને પોતાના ઘર તરફ જતા હતા ત્‍યારે ફરીયાદીએ આરોપીઓ ફોરવ્‍હિલ કારના ચાલકને વાહન વ્‍યવસ્‍થિત ચલાવવાનુ કહેતા પ્રથમ વાતચીતથી બન્ને પક્ષે સમાધાન થયેલ અને પરત ગોંડલ ખાતે  જતા રહેલ.  બાદમાં આરોપીઓ દ્વારા આ બાબતનુ મનદુઃખ રાખી પોતાની કારની નંબર પ્‍લેટો કાઢી તેમના માણસોને જૂનાગઢ, પ્રદિપના ખાડીયા વિસ્‍તાર,  કાળવા ચોક તથા કડીયાવાડના નાકે અલગ-અલગ કાર સાથે માણસોને ગોઢવી ફરીયાદીનુ લોકેશન મેળવી પોતાના ફોર વ્‍હિલ વાહનથી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે મો.સા.ના પાછળના ભાગે ઠોકર મારી પછાડી દઇ આ કામના આરોપી ગણેશ જયરાજસિંહ જાડેજા તથા તેની સાથેના બીજા અજાણ્‍યા આરોપીઓએ ગે.કા.મંડળી રચી લોખંડના પાઇપ જેવા હથિયારો ધારણ કરી ફરીયાદીને આડેધડ શરીરે માર મારી ફરીયાદીને પોતાની ફોર વ્‍હિલ કારમાં બળજબરી થી બેસાડી દઇ અપહરણ કરી જૂનાગઢ થી ગોંડલ લઇ અવાવરૂ વાડી વિસ્‍તારમાં લઇ જઇ ઢીકાપાટુનો માર મારી ત્‍યાંથી આરોપી ગણેશ જયરાજસિંહ જાડેજાના મકાને ફરીયાદીને લઇ જઇ ત્‍યાં ફરીયાદિને નગ્ન કરી શરીરે આડેધડ માર મારી તેમજ પિસ્‍તોલ જેવુ હથીયાર બતાવી ફરીયાદીનો વિડીયો ઉતારી લઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદિને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનજનક શબ્‍દો બોલી હડધુત કરી પરત જૂનાગઢ, ભેંસાણ ચોકડી પાસે ફેંકી ગયેલાનો બનાવ બનેલ છે. જે અંગે જૂનાગઢ એ ડીવીઝન પો.સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થયો હતો.

 જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા ઉકત બનાવની ગંભીરતા ધ્‍યાને લઇ તાત્‍કાલીક આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢ, એસ.ઓ.જી. તથા એ ડીવીઝન પો.સ્‍ટે.ની ટીમા બનાવી હતી. એટ્રોસીટીની કલમો સમાવેશ થયેલ હોય જેથી ગુન્‍હાની ઘનીષ્ઠ તપાસ થવા હેતુસર જે.કે.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, એસ.સી.એસ.ટી.સેલ જૂનાગઢનાઓને તપાસ સોંપવામાં આવેલ હતી.

ટીમો દ્વારા જેમાં એસ.ઓ.જી. શાખા દ્વારા જિલ્લામાં વિશ્વાસ પ્રોજેકટ અંતગર્ત ઇન્‍સ્‍ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો સતત અભ્‍યાસ કરી બનાવ બનેલ તે સમયે આરોપીઓ  દ્વારા ઉપયોગ કરવામાં આવેલ વાહનોના નંબર મેળવવા આવેલ બાદ ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢની ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્‍સ તથા હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ આધારે બનાવમાં સંડોવાયેલ આરોપીઓ વિષે માહિતી એકત્રીત કરી બનાવમાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને બનાવ વખતે ઉપયોગમાં લીધેલ બ્રેઝા કાર સાથે ગોંડલ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. ના.પો.અધિ.શ્રી, એસ.સી.એસ.ટી. સેલ, જૂનાગઢ દ્વારા હાલ બનાવમાં તપાસ દરમ્‍યાન ફલીત થયેલ હકિકત મુજબ આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી ભોગ બનનારને આરોપીએ પોતાના માણસોને અલગ-અલગ જગ્‍યાએ નંબર પ્‍લેટ કાઢેલ કાર રાખી તેના માણસોને ફરીયાદીની વોચમાં બેસાડી લોકેશન મેળવી ગોંડલ ખાતે ઉઠાવી જઇ ગુન્‍હાને અંજામ આપેલ હોય જે બાબતે આઇ.પી.સી.ક. ૧૨૦બી ની કલમનો  ઉમેરો કરવા તજવીજ ચાલુ છે.

પોલીસે અતુલ પ્રેમસાગર કિશનલાલ કઠેરીયા (ઉ.વ.૨૫) રહે. જસદણ ગોકુલ ચોક સ્‍મશાનની સામે જી.રાજકોટ મુળ રહે.ઉતરપ્રદેશ, ફેજલ ઉર્ફે પાવલી હુશેનભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ.૨૪) રહે.જસદણ ખાટકી ચોક નગીના મસ્‍જીદ સામે જી.રાજકોટ, ઇકબાલ હારૂનભાઇ ઇસ્‍માઇલભાઇ ગોગદા ઉવ.૩૪ રહે.જસદણ, ખાટકી ચોક, સરકારી હોસ્‍પીટલની સામે જી.રાજકોટ ની ધરપકડ કરી છે.

પોલીસે સેમસંગ કંપનીનો એન્‍ડ્રોઇડ મો.ફોન-૧ કિ.રૂા. ૧૦,૦૦૦/- સફેદ કલરની વિટારા બ્રિઝા કાર રજી નં. જીજે-૦૩-એમ.એચ.-૪૩૯૫ કિ.રૂા.૫,૦૦,૦૦૦/ જપ્ત કરી છે. હાલ બનાવમાં સંડોવાયેલ અન્‍ય આરોપીઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢ, એસ.ઓ.જી. તથા એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનની ટીમો સક્રિય છે. ઉકત પકડાયેલ આરોપીને અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે તેમજ અન્‍ય ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીઓ વિષે માહિતી મેળવવા પ્રયાસો જારી છે.

(4:07 PM IST)