તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
જામનગરમાં સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર લગાવીને સરખામણી કરતા રીડીંગ સરખા નોંધાયા
૧૫ ગ્રાહકો દ્વારા નવા સ્માર્ટ મીટરની સાથે જુના મીટર લગાવીને પણ રીડીંગ મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ

જામનગર તા. ૪ : શહેરમાં વિજ તંત્રના સ્માર્ટ મીટર મૂકવા બાબતે અસમંજસ ચાલતો હોવાથી જામનગર પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા લીમડાલેન વિસ્તારમાં જુદા જુદા બે ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ મૂકીને વિજ વપરાશ યુનિટની સરખામણી કરવામાં આવી હતી, અને બંનેના યુનિટ એક સરખા નોંધાયા છે. આ જ પ્રકારની વ્યવસ્થા જામનગર શહેરમાં અલગ અલગ પંદર જેટલા વીજ ગ્રાહકોને ત્યાં ગોઠવવામાં આવી છે, અને નવા સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર લગાવીને વિજ વપરાશ ના યુનિટ ની સરખામણી કરવામાં આવી રહી છે. અન્ય કોઈ ગ્રાહકો આ સુવિધા ચાલુ રાખવા માંગતા હોય તો તે અંગેની પ્રક્રિયા પણ થઈ રહી છે.
જામનગર શહેરમાં તારીખ ૨૦.૫.૨૦૨૪ ના રોજ લીમડા લાઈન માં સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી પીજીવીસીએલને રજૂઆત મળતા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો હતો. જેમાં સ્માર્ટ મીટરની સાથે અગાઉના જેમ જ ડિજિટલ મીટર પણ કમ્પેર કરવા માટે લગાડવામાં આવેલ હતું.
નાયબ ઇજનેર અજય પરમાર ને આ બંને મીટરના કંમ્પેર કરીને મેળવેલ ડેટા અંગે પૂછતાં તેમના દ્વારા વિગત જાહેર કરવામાં આવેલી છે. આ વિગત મુજબ સ્માર્ટ મીટર તથા ડિજિટલ મીટર બંને ના વીજ નોંધણીમાં કોઈ જાતનો ફરક આવેલો નથી. તેમજ જે જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાડવામાં આવેલું છે, તેના ડેટા પણ ગ્રાહકને દર્શાવવામાં આવેલા હતા, અને તેઓ પણ આ વાતથી સહમત થયા હતા. લોકોમાં જાગળતતા ફેલાય તથા સાચી માહિતી મળી રહે તે માટે સેન્ટ્રલ પેટા વિભાગ દ્વારા આ રીતે કમ્પેર કરવા માટે આશરે ૧૫ જેટલા ગ્રાહકોના વિજ જોડાણમાં બીજું ડિજિટલ મીટર મૂકીને લોકોની ગેરસમજ ને દૂર કરવા પ્રયત્નો કરેલા છે.
આ જ રીતે લીમડા લાઈન માં આવેલ એક એપાર્ટમેન્ટ માં આવેલ ગ્રાહક શ્રી ડોકટર ગાંધી ના ઘરે પણ સ્માર્ટ મીટરની સાથે ડિજિટલ મીટર કમ્પેર કરવા મૂકવામાં આવેલ હતું, જેમના ડેટાની વિગત પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં પણ બંને મીટર ના વીજ વપરાશની નોંધણી માં કોઈ ફરક ન હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી ગેરસમજ ના કારણે લોકોમાં વિરોધ વ્યાપક બન્યો છે, અગાઉ સ્માર્ટ મીટર લાગ્યા પહેલાંનું જે કોઈ લેણું બાકી રકમ હતી તેનું દરરોજના હિસ્સામાં ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવતું, અને જેના કારણે દરરોજ નિયત સમયે આ રકમ બેલેન્સ માંથી કપાત કરવામાં આવતી હતી, અને જેના કારણે ગ્રાહકોમાં આ સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી ગેરસમજ ઊભી થયેલી છે, જે બાબતે વડી કચેરીઓ દ્વારા આ રકમ ભરપાઈ કરવા માટે અલગથી વિકલ્પ આપવામાં આવશે, તેવું વિચારણા હેઠળ છે.
તેમજ સ્માર્ટ મીટર માં અગાઉથી રિચાર્જ કર્યા બાદ વીજ વપરાશ ચાલુ થશે, તેવી જોગવાઈ હતી એ નિયમો માં પણ ફેરફાર કરવામાં આવેલા છે, અને પહેલાની જેમ જ માસિક બિલ પદ્ધતિ થી ગ્રાહક પોતાનો વપરાશ મુજબનું બિલ રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર તથા મોબાઈલ એપ્લીકેશન મારફતે મેળવી પહેલાની જેમ જ બિલની નિયત અવધિમાં ભરપાઈ કરી શકે છે. અને એડવાન્સમાં રિચાર્જ કરવાની જરૂરિયાત ફરજિયાત રહેશે નહિ.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
