<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

મહુવાના રાજકારણમાં ગરમાવો : ચીફ ઓફિસર અને ટી.પી. ચેરમેનની સામસામી ફરિયાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) મહુવા નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસરને ટાઉન પ્‍લાનિંગ ચેરમેનને છરી મારી દેવાની ધમકી આપતા ચીફ ઓફિસરે તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, જયારે સામાપક્ષે ટાઉન પ્‍લાનિંગ ચેરમેને ચીફ ઓફિસર સહિત ત્રણ વ્‍યક્‍તિ વિરુદ્ધ જ્ઞાતિ વિશે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવતા મહુવાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહુવા પોલીસે ચીફ ઓફિસર તેમજ ટીપી ચેરમેનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા ચીફ ઓફિસર નીલકંઠ પ્રભુદાસ અણઘણ ગઈકાલે બપોરે ફિલ્‍ડમાંથી ઓફિસે આવ્‍યા હતા અને મ્‍યુનિસિપલ એન્‍જિનિયર સાથે સરકારી કામની ચર્ચા કરતા હતા તે દરમિયાન પાવર કટ થઈ ગયો હતો ત્‍યારે નગરપાલિકાના સદસ્‍ય અને ટાઉન પ્‍લાનિંગના ચેરમેન મંગાભાઈ ગોવિંદભાઈ ચૌહાણે ચીફ ઓફિસરે બાંધકામ ઈમ્‍પેક્‍ટની ફાઈલ મંજુર થઈ શકે તેમ ન હોવાથી મંજૂર કરવાની ના પાડી હતી તે બાબતની દાઝ રાખી ઓફિસમાં ધસી આવી ગાળો બોલી ‘કાલે તને મારી નાખવાનો છે મેં જ નગરપાલિકાની લાઈટ બંધ કરી નાખી છે જેને જયાં ફરિયાદ કરવી હોય ત્‍યાં કરી દેજો અગાઉના ચીફ ઓફિસરને પણ ધોકા મારેલ છે આમાં પણ તેવું જ થશે, કોઈ બચાવવા નહીં આવે' તેમ કહી ચીફ ઓફિસરની ફરજમાં રૂકાવટ કરી નગરપાલિકાની ફાઈલો સળગાવી દેવાની અને છરી મારી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચીફ ઓફિસરે મંગાભાઈ ગોવિંદભાઈ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ થઈ હતી.

ᅠજયારે સામા પક્ષે મંગાભાઈ ગોવિંદભાઈ ચૌહાણે મહુવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ગઈકાલે સાંજે તેઓ નગરપાલિકા ઓફિસે હાજર હતા તે દરમિયાન મહુવાના સ્‍લમ વિસ્‍તારના રહીશો તેમની ઓફિસે આવ્‍યા હતા અને રજૂઆત કરી હતી કે, સ્‍લમ વિસ્‍તારના ૫૬૨ પરિવારોને તાત્‍કાલિક ખાલી કરવા માટે જણાવેલ છે તે બાબતનું નિરાકરણ લાવો એવી રજૂઆત કરતા મંગાભાઈ તેમની સાથે નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં ગયા હતા જયાં પ્રમુખ ચાંદનીબેન, ચીફ ઓફિસર નીલકંઠ અણઘણ,ᅠ બીપીનભાઈ સંઘવી, ભરતભાઈ બાંભણીયા, રમેશભાઈ મકવાણા, ચેતનભાઇ મહેતા સહિતના હાજર હતા અને તેમણે પ્રમુખ તથા ચીફ ઓફિસરને રજૂઆત કરેલ કે, સ્‍લમ વિસ્‍તારના પરિવારને બીજે ક્‍યાંક વ્‍યવસ્‍થા કરી આપો અને તાત્‍કાલિક આ વિસ્‍તાર ખાલી કરાવશો નહીં. તે દરમિયાન બીપીનભાઈ સંઘવી, ચીફ ઓફિસર નીલકંઠભાઈ અને ભરતભાઈ બાંભણિયા ઉશ્‍કેરાઈ ગયા હતા અને જ્ઞાતિ વિશે હડધૂત કર્યા હતા, તેમણે જ્ઞાતિ વિશે બોલવાની ના કહેતા ઉશ્‍કેરાઈ ગયેલા બીપીનભાઈ સંઘવી મારવા માટે દોડતા તેઓ ભાગીને ગાંધીબાગ પહોંચ્‍યા હતા જયાં તેમને ચક્કર આવતા તેઓ મહુવા હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. મહુવા પોલીસે ચીફ ઓફિસર અને કાઉન્‍સેલરની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ᅠ

નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરને ધમકી આપવા અને ટાઉન પ્‍લાનિંગ ચેરમેનને જ્ઞાતિ વિશે હડધૂત કરવાની ઘટનાના મહુવાના રાજકારણમાં ઘેરા પડઘા પડ્‍યા છે.

(10:19 AM IST)