<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

નવાગામમાં ગોડાઉનમાંથી કર્મચારીએ જ ૧૦.૩૨ લાખના એ.સી. ચોરી લીધાઃ સીસીટીવીમાં કેદ થયો

રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો પારસ ઠાકર ડ્રાઇવર તરીકે બ્રિજેશભાઇ વાઘવાણીના ગોડાઉનમાં નોકરી કરતો હતોઃ ક્રાઇમ બ્રાંચે સકંજામાં લઇ પુછતાછ આદરીઃ સસ્‍તામાં વેંચી નાખેલા એ.સી. કબ્‍જે લેવા તજવીજ

રાજકોટ તા. ૮: નવાગામમાં એક ગોડાઉનમાંથી રૂા. ૧૦,૩૨,૦૦૦ના ૩૫ નંગ એ.સી. (એર કન્‍ડીશનર) ચોરાઇ જતાં બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ કરવામાં આવતાં આ એ.સી. આ ગોડાઉનનો કર્મચારી જ છોટાહાથીના બે ફેરા કરીને ભરી ગયાનું સીસીટીવીમાં દેખાતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આ શખ્‍સને ક્રાઇમ બ્રાંચે સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ નવાગામમાં બ્રિજેશભાઇ ગોરધનભાઇ વાઘવાણી  કમલેશ ટ્રેડર્સ નામે ગોડાઉન ધરાવે છે. બંસી હોટેલની બાજુમાં નાયરા પંપની બાજુમાં તેમનું આ ગોડાઉન આવેલુ છે. આ ગોડાઉમાં હાલ તેમના મિત્ર યુનિવર્સિટી રોડ પર રાધા પાર્ક હવેલી વાળી શેરી બ્‍લોક નં. ૫માં રહેતાં દિપભાઇ હિતેષભાઇસવજીયાણી (ઉ.વ.૨૫) પોતાના એસી સહિતનો માલ રાખે છે. ગત તા. ૧૬/૫ના સવારે સાડા દસેક વાગ્‍યે આ ગોડાઉનમાંથી એસી ઓછા જોવા મળતાં તપાસ કરવામાં આવી હતી. પંદર દિવસ પહેલા જ અહિ ૨૦૦ એસી રાખવામાં આવ્‍યા હતાં. જેમાંથી આશરે ૩૫ એસી ઓછા થઇ ગયા હતાં.

જે ઓસી ગાયબ હતાં તેમાં લોઇડ કંપનીના ૩૦ એસી જેમાં એકની કિમત ૨૯૬૦૦ હતી તેવા કુલ૮,૮૮,૦૦૦ના  તથા કેરીયર કંપનીના પાચ એસી જેની એકની કિમત ૨૮૦૦૦ હતી તેવા ૧,૪૪,૦૦૦ના મળી કુલ રૂા. ૧૦,૩૨,૦૦૦ના ૩૫ એસી ગાયબ જણાયા હતાં. આ બાબતે પુછતાછ કરવા ગોડાઉનના ડ્રાઇવર પ્રકાશ દેવાભાઇ ઠાકર (રહે. સાનીધ્‍ય-૫ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૫૦૧-એ, રાજલક્ષ્મી સોસાયટી)ને પૃછા કરવા માટે ફોન જોડવામાં આવતાં તેનો ફોન બંધ આવતો હતો.

એ પછી ગોડાઉનના સીસીટીવી કેમેરા ચેક કરતાં પારસ ઠાકર પોતાના છોડા હાથી વાહન નં. જીજે૦૩બીવાય-૫૬૭૬માં એસી ભરીને જતો દેખાયો હતો. તેણે આ રીતે ફેરા કરી એસી ચોરી લીધા હતાં. બાદમાં વાહન ગોડાઉન પાસે રાખીને જતો રહ્યો હતો. ચોરી કરનારો કર્મચારી જ હોઇ ઘરમેળે તપાસ કરવામાં આવી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બી-ડિવીઝન એએસઆઇ એ.વી. બકુતરાએ આ અંગે દિપભાઇ સવજીયાણીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. આ એસીની ચોરી કરી જનાર શકમંદને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. તેણે ચોરેલા એસી સસ્‍તામાં વેંચી દીધાની વિગતો ખુલી રહી હોઇ એસી કબ્‍જે લેવા તજવીજ શરૂ થયાનું જાણવા મળે છે

(1:27 PM IST)