News of Saturday, 8th June 2024
સ્વચ્છતા મિશન અંતર્ગત સાવરકુંડલા પાલીકાને ૯૦ લાખના વાહનોનું લોકાર્પણ
સ્વચ્છતા અંતર્ગત ૭ ઘંટાગાડી અને ૧ જે.સી.બી.ને ધારાસભ્ય કસવાળાએ આપી લીલીઝંડી

સાવરકુંડલા તા. ૮ : સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના ધ્યેય સાથે દિવસ રાત સતત કાર્યશીલ રહેતા ધારાસભ્ય મહેશ કસવાળાની રજૂઆત અન્વયે સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત ભીનો સુકો કચરા ઘર ઘર સુધી પાલિકાની ઘંટા ગાડી ભરી જાય તે માટે ૭ ઘંટા ગાડી અને ૧ જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્યના વરદહસ્તે નાવલી નદીના ત્રિકોણ સર્કલ ખાતે રાખવામાં આવેલ હતું.
જેમાં પાલિકાના સતાધીશો ચૂંટાયેલા સદસ્યો સહિત પ્રબુદ્ધ શહેરીજનોની વિશેષ ઉપસ્થિતી વચ્ચે ધારાસભ્ય મહેશ કસવાળાએ પાલિકાના નવા વાહનોને લીલી ઝંડી આપીને શહેરની સુખાકારી માટે અર્પણ કરવામાં આવ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમ વખતે ધારાસભ્ય કસવાળાએ લોકસભાની ચૂંટણીમાં સાવરકુંડલા લીલીયાના મતદાતાઓનો સહ્રદય આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય મહેશ કસવાળા ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૩૭૦૦ મતે વિજેતા થયા તો સાવરકુંડલા લીલીયાની જનતા જનાર્દને ૩૭ હજારની લીડ સાથે લોકસભા બેઠકમાં અપાવી તેનો ઋણ કાયમી અંકિત રહેવાનું ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું જયારે એન.ડી.એ.ની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર શપથ ગ્રહણ કરી રહ્યા હોય ત્યારે ચંદ્રબાબુ નાયડુને નીતીશકુમાર આડા હાલશે તેવી કોંગ્રેસી કાર્યકર્તાઓની વ્હેતી ચર્ચાઓ પર માર્મિક ટકોર ધારાસભ્ય કસવાળાએ કરીને કોંગ્રેસને ટોણો માર્યો હતો.
જયારે હંમેશા વિકાસના કામો પ્રત્યે સંવેદનશીલતા સાથે સાવરકુંડલાને ૫ વર્ષમાં એક નવું સુવર્ણ કુંડલા સ્થાપિત કરવા સાથે નાવલી નદી પર રિવરફ્રન્ટ એક અમરેલી જિલ્લામાં નવી ઓળખ ઊભી થવાના દિવસો દૂર નથી તેવું પણ ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું.
આ પાલિકાના વાહન લોકાર્પણ કાર્યક્ર્મ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નગરપાલીકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, તાલુકા પંચાયત સદસ્ય મનુભાઈ ડાવરા, શહેર ભાજપ મહામંત્રીઓ રાજેશભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, સેનિટેશન ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયા, નગરપાલિકા ચીફ ઓફિસર એચ.પી.બોરડ, નગરપાલિકા હોદ્દેદારો, ચેરમેનો સદસ્યો, જિલ્લા હોદ્દેદારો, શહેર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ સાવરકુંડલા નગરપાલિકાની અખબારી યાદીમાં જણાવ્યું છે. (તસ્વીર - અહેવાલ : દિપક પાંધી, ઇકબાલ ગોરી - સાવરકુંડલા)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
