<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાને લીધે ગત એપ્રિલ અને મે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા

રેલ્વે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલ્વે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

ભાવનગરઃ  પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. જેમાં લોકો પાયલટની સતર્કતાને લીધે ગત એપ્રિલ અને મે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા છે. એટલું જ નહીં સિંહ માટે વનવિભાગ પણ ખડેપગે રહીને કામગીરી કરી રહ્યું છે.

 

ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે, "ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે."

 

તેમણે વધુમાં કહ્યું કે, "સિંહો રેલ્વે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલ્વે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો (Caution Order) જારી કરવામાં આવે છે. રેલ્વે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલ્વે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે."

 

મહત્ત્વનું છે કે, લોકો પાઇલોટ્સ દ્વારા લેવામાં આવેલી સાવચેતીને કારણે, એપ્રિલ-2024 અને મે-2024 માત્ર બે મહિનામાં 13 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે, "લોકો પાઇલટ્સને ઉત્કૃષ્ટ કામગીરી કરવા પ્રોત્સાહિત કરવા માટે ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા તેમને એવોર્ડ પણ આપવામાં આવે છે."

(3:28 PM IST)