<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

બાબરાના ત્રંબોડાની નદીમાં તણાયેલ બોલેરોના ડ્રાઇવર રાજસ્‍થાની યુવકનો રાત્રે મૃતદેહ મળ્‍યો

ગાડી લઇને ડિઝલ લેવા ગયેલ યુવકનું મૃત્‍યુ થતા અરેરાટી

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા., ૧૦:  અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ત્રંબોડા ગામની નદીમાં ગઇકાલે વરસાદ વરસતા પુરના પ્રવાહમાં બોલેરો તણાઇ હતી. આ  બોલેરો ગાડી  ડ્રાઇવરનો મૃતદેહ કાલે રાત્રીના ર.૩૦ વાગ્‍યે મળી આવતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ કાલે બાબરા પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટા સાથે ર થી ૩ ઇંચ જેવો વરસાદ પડયો હતો. જેને પગલે ગ્રામ્‍ય વિસ્‍તારના નદી નાલાઓમાં પાણીની આવક જોવા મળી હતી. આ વાતાવરણની વચ્‍ચે એક દુર્ઘટના સર્જાઇ છે. બાબરાના ત્રંબોડા ગામે પણ વરસાદને પગલે સ્‍થાનીક નદીમાં ઘોડાપુર આવ્‍યું હતું. જેને લઇને કોઇ કારણોસર નદી પસાર કરવા જતા એક બોલેરો ગાડી પાણીના પ્રવાહ સાથે તણાઇ ગઇ હતી. આ બાદ સ્‍થાનીકોને ઘટનાની જાણ થતા પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.

જેના પગલે અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્‍થળ પર દોડી આવી હતી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બોલેરો ગાડી ગામથી ૧૨૦૦ ફુટ દુરથી મળી આવી હતી અને આ બોલેરો ગાડી પવનચક્કીના કામ માટે વાપરવામાં આવતી ગાડી હોવાની પ્રાથમીક વિગતો સામે આવી રહી છે.

દરમિયાન બોલેરો ગાડી ડ્રાઇવરનો મૃતદેહ રાત્રીના ર.૩૦ વાગ્‍યે મળી આવ્‍યો હતો.

જેથી પોલીસ, મામલતદાર તંત્ર સહીતની ટીમે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આ મૃતક રાજસ્‍થાની યુવક હોવાનું જાણવા મળ્‍યું છે.

મૃતક રાજસ્‍થાનના બાડમેરના અમરારામ ગુમરારામ ઝાટ (ઉ.વ.રર) હોવાનું  જાણવા મળ્‍યું છે.

(12:40 PM IST)