તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
મૂળીના વેલાળા પાસે કાર પલ્ટી ખાતા દોઢ વર્ષ અગાઉ પરણેલા દંપતીને અકસ્માત : ડોકટર પતિનું મોત
ત્રંબોડાથી ચોટીલા બાઇક લઇને જતા દંપતીને કાર અડફેટે લેતા ઇજા :પાટડી - જૈનાબાદ રોડ પર ટ્રેલર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં રાજસ્થાની યુવાનનું મોત : દસાડા તાલુકાના અખીયાણા ગામે વાહનની રાહ જોઇ ઉભેલા ઇસમને અજાણ્યું વાહન અકસ્માત સર્જી ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૧ : સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના વેલાળા, પાટડી-જૈનાબાદ રોડ, ચોટીલા નેશનલ હાઈવે અને દસાડાના પીપળી રોડ પર માર્ગ અકસ્માતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વેલાળા પાસે કાર પલટી ખાતા સરાના ડોકટરનું મોત થયુ છે. જયારે પાટડડી-જૈનાબાદ રોડ પર રાજસ્થાનનો યુવાન મોતને ભેટયો છે. જયારે ચારેય બનાવમાં કુલ ૫ વ્યક્તિઓને ઈજા પહોંચી છે.
મુળી તાલુકાના સરા ગામે મારૂતી કલીનીક ચલાવતા ડો. જયદીપભાઈ કાંતીલાલ કુણપરા અને તેમના પત્ની નેહલબેન કાર લઈને સુરેન્દ્રનગરથી સરા તરફ જતા હતા. ત્યારે વેલાળા ગામના પુલ પાસે જયદીપભાઈએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ બનાવમાં દંપતીને ઈજા થતા સારવાર માટે મુળી સરકારી દવાખાને લઈ જવાયા હતા. જેમાં ડો. જયદીપ કુણપરાનું મોત થયુ હતુ. જયારે નેહલબેનને ઈજાઓ પહોંચી હતી. ડો.જયદીપ અને નેહલબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા.
રાજસ્થાનમાં રહેતા રાહુલ ખેમરાજ મનાત અને તેમનો ભત્રીજો દીપક મોહનભાઈ મનાત તા. ૮ના રોજ રાત્રે ડુંગરપુરથી પાવડર ભરી ટ્રેઈલર લઈને મોરબી જવા નીકળ્યા હતા. સવારે તેઓ પાટડી-જૈનાબાદ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે સામેથી આવતા ડમ્પરના ચાલકે કાવુ મારી ટ્રેલર સાથે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં દીપક મનાતનું મોત થયુ હતુ. જયારે રાહુલ મનાતને ઈજાઓ પહોંચી હતી. બનાવની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ સાગર કલોતરા ચલાવી રહ્યા છે.
ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામે આવેલ વાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવશીભાઈ ઓળકીયા અને તેમના પત્ની ભાનુબેન બાઈક પર ચોટીલા ખરીદી કરવા આવ્યા હતા. જેમાં ચોટીલાની હરીધામ સોસાયટી સામે હાઈવે રોડ પર પહોંચતા સામેથી પુરઝડપે આવેલી કારે તેમના બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં રમેશભાઈ અને ભાનુબેન બાઈક સહિત નીચે પટકાયા હતા. જેમાં દંપતીને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની ભાનુબેન ઓળકીયાએ અજાણ્યા કાર ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એમ.એસ.રાજપરા ચલાવી રહ્યા છે.
દસાડા તાલુકાના અખીયાણા ગામે રહેતા આશીફખાન હમીરખાન મલેક મજુરી કામ કરે છે. તા. ૪ના રોજ સવારે તેઓ અખીયાણા જવા માટે વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર પીપળી ગામ પાસે આવેલ હોટલ દર્શન પાસે વાહનની રાહ જોઈને ઉભા હતા. ત્યારે રોંગ સાઈડમાંથી અખીયાણાના ભરત રાજાભાઈ મકવાણાએ આવી તેમની સાથે અકસ્માત કર્યો હતો. જેમાં આશીફખાનને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ કે.જી.પારધી ચલાવી રહ્યા છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
