તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
અમરેલીમાં..."કલાપી યાદ આવે છે "શીર્ષક તળે કવિ કલાપીને શબ્દાંજલિ અર્પણ : ગદ્ય સાહિત્ય સભા અમરેલી આયોજિત ઉપક્રમમાં સુખ્યાત સર્જકો દ્વારા આસ્વાદ સંવાદથી સાહિત્યિક માહોલમાં સહુ રસ તરબોળ
લાઠીના રાજવી કવિ કલાપીની પુણ્યતિથિ નિમિત્તે અમરેલી નગરમાં આયોજિત આ ઉપક્રમમાં એમના ગદ્ય સાહિત્યના આસ્વાદ સંવાદ દ્વારા અભ્યાસુ વક્તાઓ આ અમર સર્જક ના ગદ્યનો પણ સૌને પરિચય કરાવશે : જાણીતા સર્જક સંચાલક પરેશ મહેતા

અમરેલી તા.૧૨ : ગુજરાતી ભાષાના અમર સર્જક લાઠીના રાજવી કવિ કલાપીની પુણ્યતિથિ નિમિત્તે અમરેલી ખાતે તારીખ 9 --6- 2024 ને રવિવારના રોજ રૂપાયતન પરિસર અમરેલીમાં ગદ્ય સાહિત્ય સભા અમરેલી આયોજિત "...કલાપી યાદ આવે છે " શીર્ષક તળે કવિ કલાપી ના ગદ્ય સાહિત્ય વિશે આસ્વાદ સંવાદ રૂપ વક્તવ્યો દ્વારા શબ્દાંજલિ અર્પણ કરવામાં આવી હતી .
કાર્યક્રમના પ્રારંભે અમરેલીના જાણીતા લોકગાયક ભરત અગ્રાવત દ્વારા કલાપીની રચનાના ગાન સાથે સ્વર શુકન કરવામાં આવ્યા હતા .આયોજક ટીમ વતી ભરત ઉપાધ્યાય દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું .
જાણીતા સર્જક સંચાલક પરેશ મહેતાએ પૂર્વભૂમિકામાં જણાવ્યું કે લાઠીના રાજવી કવિ કલાપીની પુણ્યતિથિ નિમિત્તે અમરેલી નગરમાં આયોજિત આ ઉપક્રમમાં એમના ગદ્ય સાહિત્યના આસ્વાદ સંવાદ દ્વારા અભ્યાસુ વક્તાઓ આ અમર સર્જક ના ગદ્યનો પણ સૌને પરિચય કરાવશે .
અમરેલીના જાણીતા વાર્તાકાર અને સાહિત્ય મરમી નિખિલ વસાણીએ કલાપીના પત્ર સાહિત્યમાંથી ચુંટેલા પત્રોની વાત કરીને એક અલગ જ મિજાજના રાજવીની હકારાત્મક બાજુને ઉજાગર કરી હતી .
વાર્તાકાર , નવલકથાકાર વાસુદેવ સોઢાએ તેમની આગવી શૈલીમાં કલાપી નગર લાઠીના વસવાટનું સંવેદન અને કલાપી રચિત સંવાદો વિશે નાટ્યાત્મક ઢબે સંવાદ પ્રસ્તુતિ વાંચન અને વાત કરી હતી .
અમરેલી ના યુવા કવયિત્રી, લેખિકા ,સામાજિક કર્મશીલ દિવ્યા સોજીત્રા એ કલાપીના "કાશ્મીર નો પ્રવાસ"ના વર્ણન વિશે એમની અદભુત સૌંદર્ય દર્શન ,સ્થાનિક પ્રજાના જીવન અનુભવ યાત્રા ની વિશદ છણાવટ કરી હતી.
અધ્યક્ષ સ્થાનેથી વરિષ્ઠ સાહિત્યકાર રવજીભાઈ કાચાએ કવિ કલાપીના ગદ્ય સાહિત્ય વિશે આયોજિત આ વિચારને વધાવી અને નિખિલ વસાણી , વાસુદેવ સોઢા , દિવ્યા સોજીત્રા ના અભ્યાસ પૂર્ણ વક્તવ્યની સરાહના કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશ મહેતાએ કર્યું હતું .
આ તકે વિશેષ ઉપસ્થિતિમાં અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઈ ભુવા ( શીતલ આઈસ્ક્રીમ ) , નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને લેખક ઘનશ્યામભાઈ સોલંકી , સંગીતકાર સંજીવ ધારૈયા , સર્જકો ભાવકો બાલકિશન જોગી , પ્રકાશ જોશી , ભિખેશભાઈ જોષી , ચેતના બાજક , શીલા મહેતા , સુરેશભાઈ મહેતા, ફિરોજ હસ્નાની, મનીષ રામાણી, છગનભાઈ ધોરાજીયા, ધવલ જોશી , હીરાબેન ભુવા , તરૂબેન વ્યાસ , ડી. વી. ગોંડલીયા સહિતના પૂર્ણ સમય સુધી ઉપસ્થિત રહી સાહિત્ય સંવાદમાં રસ તરબોળ થયા હતા.
હા અલગ જ કાર્યક્રમને રાજકોટનાં જાણીતા લેખક ,લોક સાહિત્યકાર નિલેશ પંડ્યા દ્વારા તેમની કરુણા ટોક ચેનલ થી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ તેમજ મુંબઈથી રાજેશ પટેલ સહિત અને કલાપી પ્રેમીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
