<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

શાપરના ૧૭ વર્ષના મુકેશ બિહારીએ લેણા નાણા માંગતાં અપહરણ કરી બેફામ ધોલાઇઃ પગ ભાંગી ગયા

કોન્‍ટ્રાક્‍ટર અજય ઉર્ફ ગુડ્ડુ બિહારીએ ત્રણ હજાર પૈકીના એક હજાર જ દીધા'તાઃ બાકીના નાણા માંગતાં પીપળીયા લઇ જઇ ફટકાર્યો

રાજકોટ તા. ૧૨: શાપર વેરાવળમાં બુધ્‍ધનગરમાં રહેતાં મુળ બિહારના મજૂરે પોતે અગાઉ બિહારી કોન્‍ટ્રાક્‍ટર મારફત કંપનીમાં કામ કર્યુ હોઇ તેના લેણા નાણાની ઉઘરાણી કરતાં તેને ખોડિયાર હોટેલ પાસે બોલાવી ત્‍યાંથી પીપળીયા લઇ જઇ ધોકા-પાઇપથી બેફામ માર મારવામાં આવતાં પગ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ શાપરના બુધ્‍ધનગરમાં રહેતો મુળ બિહારનો મુકેશ સુભાષમંડલ તાંતે (ઉ.વ.૧૭) રાતે બારેક વાગ્‍યે ઘરે હતો ત્‍યારે તેને ખોડિયાર હોટેલ પાસે બોલાવી અજય ઉર્ફ ગુડ્ડુ સહિતનાએ માર મારી પીપળીયા લઇ જઇ ફરીથી ધોકાવી બાદમાં છોડી મુકતાં સારવાર માટે દાખલ કરાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે શાપર પોલીસને જાણ કરી હતી.

મુકેશના કહેવા મુજબ પોતે મુળ બિહારનો વતની છે અને ત્રણ બહેન તથા ચાર ભાઇમાં વચેટ છે. તેણે અગાઉ બિહારના અજય ઉર્ફ ગુડ્ડુ બિહારીના કોન્‍ટ્રાક્‍ટમાં કામ કર્યુ હોઇ તેના રૂપિયા ૩ હજાર લેવાના હતાં. આ પૈકી અજયએ એક હજાર જ દીધા હતાં. બાકીના બે હજારની ગત રાતે પોતે ઉઘરાણી કરતાં પોતાને ખોડિયાર હોટેલ પાસે આવી પૈસા લઇ જવાનું કહેતાં પોતે ત્‍યાં જતાં અજય ઉર્ફ ગુડ્ડુ સહિતે મારકુટ કરી હતી. બાદમાં પીપળીયા ગામના રોડ પર લઇ જઇ ફરીથી ફટકાર્યો હતો. પાંચ છ ધોકા તૂટી ગયા ત્‍યાં સુધી પોતાને માર માર્યો હોવાનું મુકેશે જણાવ્‍યું હતું. તેમજ મારને કારણે પગ ભાંગી ગયાનું કહ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:00 AM IST)