તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
વાંકાનેર શિવપાર્ક સોસાયટીના લોકો દસ દિવસથી પાણી વિહોણાઃ મહિલાઓ માટલાં સાથે તાલુકા પંચાયત કચેરીમાં ધસી આવી..
ચુંટણીમાં મત લેવા દોડતા નેતાઓ ગાયબઃ ભાજપ હાય હાયના નારા સાથે મહિલાઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે માટલાં ફોડી, થાળી વગાડી પાણીની માંગ બુલંદ કરી, ધારાસભ્યને પણ રજુઆત કરાઇ..

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૩: ભર ઉનાળે વાંકાનેર તાલુકાના અનેક ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા પેદા થઈ છે, ત્યારે વાંકાનેરની શિવ પાર્ક સોસાયટીના નાગરિકો છેલ્લા દસ દિવસથી પાણી વિહોણા બન્યા હોય, ત્યારે આજરોજ સોસાયટીના રહીશો સવારથી પાણીની માંગ સાથે ભટકી રહ્યા હતા. જેમાં પ્રથમ નાગરિકો ધારાસભ્ય જીતુભાઇ સોમાણી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હોય, જ્યાં યોગ્ય કરવા આશ્વાશન આપ્યા બાદમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને રજુઆત કરવા પહોંચેલ મહિલાઓએ માટલા ફોડી, થાળી વગાડી પાણીની માંગ કરી હતી. આ સાથે જ મહિલાઓએ ભાજપ હાય હાય નાં નારા લગાવ્યા હતા અને ઉગ્ર દેખાવો કરી જ્યા સુધી સોસાયટીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે નહીં ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભર ઉનાળે ભૂખ્યા તરસ્યા સોસાયટી વાસીઓ પાણી માટે જ્યા ત્યાં ભટકી રહ્યા હતા અને નેતાઓ અને અધિકારીઓ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા હતા. કાળજાળ ગરમી વેઠી મહિલાઓ તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા જ્યાં TDO હાજર નહિ હોવાનું જાણવા મળતા જ મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને હાથમાં રહેલા માટલા કચેરીમાં ફેંકી ગુસ્સો ઠાલવ્યો હતો.
આ સાથે જ મહિલાઓએ પાણીની પારાયણ બાબતે પોતાની વ્યથા ઠાલવવા જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે અમારી પાસે મત લેવા દોડતા નેતાઓ ખાલી મોટા મોટા વચનો આપેલ, જ્યારે આજે અમારી સમસ્યા દૂર કરવા ફૂટ બોલ જેમ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર નલ સે જલ ની વાતો કરે છે, ત્યારે અમારી ૪૦૦ પરિવારો ધરાવતી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ઘરે નળમાં પાણી આવેલ નથી છતાં ભાજપ ઉપર વિશ્વાસ મૂકયો હતો અને અમોએ ખોબલે ખોબલે મતો આપી ભાજપને સત્તા પર બેસાડ્યા હતા. આજે તે જ ભાજપના નેતાઓ અમારી વેદના સાંભળવાની તસ્દી લેવા તૈયાર નથી.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
