<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

સિદીકમીંયાબાપુની કાલે ઝિયારતઃ જનાઝામાં હજારો લોકો જોડાયાઃ મોરબીના મુસ્‍લિમોએ શોકમય બંધ પાળ્‍યો

જનાઝો પસાર થતા જાહેર માર્ગો-બજારો બંધ રહીઃ ઉલેમાઓએ આઘાત અનૂભવ્‍યો

 

રાજકોટ તા.૧૩: ફખ્રે સૌરાષ્‍ટ્ર મદની સરકાર ના સુપુત્ર અને મુફતીએ મોરબી તથા શહેરના નાયબ ખતિબ હજરત પીર સૈયદ સિદીક મિયા બાપુ કાદરી તા.૧૧/૦૬/૨૦૨૪ ને મંગળવાર રોજ રાત્રે ૧૧:૪૫ કલાકે આફાની દુનિયાને અલવિદા કરી ગયા છે. જેઓની આખરી સફર બુધવારે સાંજે પાંચ વાગ્‍યે ખાનકાએ અલીયા કાદરીયા જિલાનીયા (સિપાઇ વાસ) મોરબીથી નીકળી હતી. જેમાં મુસ્‍લિમ સમાજની તમામ જમાત સાથે સાથે તેમના અને તેમના ચાહવા વાળા સહિત તમામ જ્ઞાતિના લોકો હજારોની સંખ્‍યામાં હાજર રહી મર્હુમને ખીરાજે અકીદત પેશ કરી દુઃખ અને ગમની સાથે આખરી અલવિદા કરી હતી.

દરમિયાન અગ્રણી મહેબુબ પીલુડીયાની યાદીમાં જણાવ્‍યા મુજબ તેઓનો જનાઝા વિશાળ મેદની સાથે શહેરના મુખ્‍ય માર્ગો ઉપરથી પસાર થઇ કબ્રસ્‍તાન ખાતે લઇ જવામાં આવેલ જયાં તેમના નાના ભાઇ સૈયદ પીર સિકંદરબાપુએ જનાઝાની નમાઝ અદા કરાવેલ હતી. આ પહેલા મોરબીના શહેર ખતીબ સૈયદ પીર અબ્‍દુલ રશીદબાપુએ દેખરેખ રાખેલ.

જેમાં હઝરત જહાંગીરબાપુ (પાલીતાણા) સૈયદ હાજી સલીમબાપુ (જામનગર), મૌલાના ઉસ્‍માન ગનીબાપુ (ધ્રોળ), મૌલાના અમીનબાપુ પીપળીયા (રાજ), શાયર એહમદ પીરઝાદા (વાંકાનેર), સૈયદ બરકતશાહબાપુ નેશનલવાલા-રાજકોટ સહિત અને સૈયદ સાદા ઉલમાએ કિરામ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંથી તેમના મુરીદો આશીકો ચાહકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતાં. તેમની ઝિયારત તા. ૧૪-૬-ર૪ શુક્રવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સીપાઇવાસ સીદીકી મસ્‍જીદ ખાતે રાખવામાં આવેલ છે.

વધુમાં જણાવ્‍યા મુજબ ખલીફ-એ-તાજુશ્‍ શર્રીયાહ હઝરત મૌલાના સિદીકમીંયાબાપુ કાદરી (ઉ.વ.૪પ) હૈદરી મસ્‍જીદ, ખાટકીવાસમાં ઇમામત કરતા હતા. ત્રણ ભાઇઓમાં વચેટ હતા અને દારૂલ ઉલૂમ ઇસ્‍હાકીયા (રાજસ્‍થાન) થી ઉર્તિણ થઇ ધ્રોલ દારૂલ ઉલૂમ અન્‍વારે મુસ્‍તુફા રઝાથી પદવી મેળવી મોરબીના પ્રથમ સ્‍થાનિક મુફતી બન્‍યા હતાં.

તેઓની વિદાયથી સૌરાષ્‍ટ્રભરના સુન્ની મુસ્‍લિમ સમાજે આંચકો અનુભવ્‍યો છે. અને ખાસ કરીને ઉલેમાઓએ તેઓની વિદાયને  ન પૂરી શકાય તેવી ખોટ ગણાવી છે.

જયારે વાંકાનેરના અહેવાલ મુજબ મર્હુમ મહંમદ સિદીક મીંયાબાપુ મોરબીના પીર સૈયદ મદની મીયાં સીકંદરમીયાં બાપુના નાના(પુત્ર) હતા. મર્હુમના મોટાભાઇ અબ્‍દુલ રશીદબાપુ મોરબી સમસ્‍ત મુસ્‍લિમ સમાજના માતબર આગેવાન છે. અને મર્હુમના નાનાભાઇ સિકંદરમીયાં બાપુ પણ ઇસ્‍લામિક કોમના નાના રહેબર છે.

મર્હુમ મહંમદ સિદ્‌ીકબાપુના જનાઝામાં બહોળી સંખ્‍યામાં હિન્‍દુ-મુસ્‍લિમ લોકોએ ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા. મર્હુમના  જનાઝા તેઓના નિવાસસ્‍થાન સિપાઇવાસમાંથી શરૂ થતાં નગર દરવાજ.ે પહોંચતા ત્‍યાં તમામ રસ્‍તાઓ બંધ કરવામાં આવ્‍યા હતા. મર્હુમના મૈયત જનાઝામાં વાંકાનેરના પીર સૈયદ શકીલ એહમદ પીરઝાદા અને મુસ્‍લિમ સમાજના અગ્રણી તથા પત્રકાર મહંમદભાઇ રાઠોડ સાથે બહોળી સંખયામાં વાંકાનેરના ઘણા લોકોએ હાજરી આપી હતી. મર્હુમની ઝીયારત-સીપારા સિપાઇવાસ, સિદીકી મસ્‍જીદ ખાતે સવારે નવવાગ્‍યે શુક્રવારે રાખેલ છે.

(12:00 PM IST)