<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

કેશોદ વિસ્‍તારમાં કેરીની સીઝન પુરી થવામાં કચ્‍છી કેરીની આવક શરૂ થઇ ગઇ

 

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૧૩: ફળોની મહારાણી ગણાતી કેરીની સીઝન આ વિસ્‍તારમાં હવે લગભગ પુરી થવામાં છે. દરમ્‍યાન આ વિસ્‍તારની કેસર કેરીની સીઝન પુરી થાય એ પહેલા કચ્‍છની કેરીની આવક શરૂ થઇ ગયેલી છે. અને આ આવક લગભગ ૧૫ જુલાઇ સુધી ચાલુ રહેવાની છે. કેશોદ યાર્ડમાં અત્‍યારે ૨૨ દલાલો છે.

કેરીની જાતમાં પણ મહારાણી ગણાતી ગીર વિસ્‍તારની કેસર કેરી સ્‍થાનિક કેશોદ માર્કેટયાડૃમાં વહેચાવા માટે આવે છે. અને સીઝનમાંતો આ કેરીના દરરોજના આશરે પ હજાર બોકસનું જાહેર હરરાજીથી વહેચાંણ થતું પર઼તુ તેમાં ઘણો ઘટાડો થતો જાય છે અને અત્‍યારે ઘટતા ઘટતા આ આંકડો હજાર બારસો બોકસ સુધી પહોંચી ગયો છે.

કેશોદ માર્કેટ યાર્ડના અગ્રણી દલાલ શ્રી જેહમલ ધુમણમલ મેઘવાણીએ આ માહિતી આપતા કહયું હતું કે કેશોદ યાર્ડમાં (૧)તાલાલા, (ર) માણેકવાડા, (૩) મધરવાડા, (૪) કણઝડી વિસ્‍તારની કેરી હરરાજીમાં આવતી અને આ બધાનો સરવાળો ૫૦૦૦ બોકસને આંબી જતો પરંતુ આ વર્ષે કેરીના ઓછા પાકના કારણે સ્‍થાનિક કેરીની સીઝન બહુ ઝડપથી આટોપાય રહી છે. હવે સ્‍થાનિક કેરીની આવક ગણત્રીના દિવસો માટે જ છે.

તેમણે વધુમાં જણાવેલ કે, સ્‍થાનિક કેરીની સીઝન પુરી થયા પહેલા કચ્‍છની કેરીની આવક શરૂ થઇ ગયેલી છે. આ કેરીના દરરોજ આશરે ૧૫૦૦ જેટલા બોકસ આવે છે. અત્‍યારે દરરોજ ખાસ વાહન દ્વારા આ બોકસ આવે છે. પરંતુ ત્‍યારબાદ કચ્‍છની ખારેક સાથે આવતી રહેશે અને તે છેક ૧૫ જુલાઇ સુધી ચાલુ રહેવાની શકયતા છે. અન્‍ય વર્ષોની સરખામણીમાં આ વર્ષે બધી જગ્‍યાએ કેરીનો ઉતારો ઓછો આવ્‍યો છે.

(1:24 PM IST)