News of Friday, 14th June 2024
કચ્છના દરિયામાંથી વધુ ૧૦ ચરસના પેકેટ મળ્યા: ૬ દિ'માં ૧૬ કરોડનું ચરસ મળતાં ચકચાર
એજન્સીઓ હજી મૂળ સુધી પહોંચવામાં નિષ્ફળ, બિનવારસુ ચરસની ડિલિવરી કોના માટે?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : ગુજરાતમાં દરિયાઈ માર્ગે કેફી દ્રવ્યો ઘુસાડવાનું ષડયંત્ર સતત બેરોકટોક ચાલુ છે. સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છના દરિયા કિનારેથી બિનવારસુ ચરસ મળી આવવાનો સિલસિલો ચાલુ છે. જખૌ મરીન પોલીસે ચરસના વધુ ૧૦ પેકેટ ખિદરત ટાપુ ઉપરથી જપ્ત કર્યા છે. આ પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. અંદાજિત ૫.૩૦ કરોડની કિંમતના ચરસના આ પેકેટ સાથે જ સતત ૬ દિવસમાં બિનવારસુ રીતે ઝડપાયેલ ચરસનો આ ચોથો જથ્થો છે. ગત શનિવારે બીએસએફએ રોડાસર ટાપુ ઉપરથી ચરસના ૨ પેકેટ કિ. અંદાજે ૧ કરોડ, રવિવારે કોઠારા પોલીસે પિંગ્લેશ્વરના દરિયા કિનારેથી ૫.૩૪ કરોડના ચરસના ૧૦ પેકેટ, મંગળવારે જખૌ મરીન પોલીસે સિંધોડી ગામના દરિયા કિનારા પાસેથી ૪.૮૦ કરોડના ચરસના ૯ પેકેટ ઝડપ્યા હતા. ફરી ખિદરત ટાપુ પાસે ૧૦ પેકેટ ઝડપાતાં હવે ૬ દિવસમાં ચરસના ૩૧ પેકેટ (૧૬ કરોડ રૂ. ) ઝડપાયા છે. આટલી મોટી માત્રામાં કેફીદ્રવ્યો ની ડિલિવરી લેનાર કોણ હશે? એજન્સીઓ મૂળ સુધી પહોંચશે ખરી? એવા અનેક સવાલો વચ્ચે આ સમગ્ર બિનવારસુ ચરસ કાંડ માં ઊંડી તપાસ કરવાની જરૂરત છે.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
