News of Friday, 14th June 2024
અસહ્ય તાપ- ઉકળાટઃ વાદળા વચ્ચે પણ લોકો પરસેવે રેબઝેબ
સોૈરાષ્ટ્ર- કચ્છનાં જુદા-જુદા વિસ્તારમાં વરસતો હળવો ભારે વરસાદ

ખીરસરાઃ તસ્વીરમાં લોધીકા તાલુકાના પાંભાર ઇટાળા અને વાજડીવડમાં ગઇકાલે સાંજે વરસાદ પડયો હતો તે નજરે પડે છે. (તસ્વીરઃ ભીખુપરી ગોસાઇ- ખીરસરા)
રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં અસહય ઉકળાટ અને તાપ યથાવત છે. વાદળા છવાઇ ગયા છે. તેમ છતા પણ લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.
ધીમે-ધીમે સોૈરાષ્ટ્ર- કચ્છમાં ચોમાસાના આગમનના સોૈરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહયા છે. અને મિશ્ર વાતાવરણ છવાયેલુ રહે છે.
ગઇકાલે જુદા-જુદા વિસ્તારોમાં હળવો-ભારે વરસાદ પડયા બાદ આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ યથાવત છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં સવારથી વરસાદી માહોલ રહ્યો છે અને આ વચ્ચે અસહ્ય બફારો પણ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુરુવારની રાતે જુનાગઢનું તાપમાન ૩૦.૪૦ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે હવામાનમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. ગમે ત્યારે મેઘરાજાનું આગમન થાય તેવું વાતાવરણ થઈ ગયું હતું પરંતુ આ વચ્ચે સવારે લઘુતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેતા પર બફારોએ માઝા મૂકી હતી. ત્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૦.૫ કિલોમીટરની રહી હતી. સવારથી વાતાવરણ પલટાયુ હોવાથી લોકોમાં વહેલા વરસાદની આશા બંધાઈ છે. પરંતુ હાલ તો બપોર સુધી બફારો અને બપોર બાદ ઉકળાટનું સામ્રાજ્ય રહેતું હોવાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ શહેર અને જિલ્લામાં ધૂપછાંવ ના વાતાવરણ વચ્ચે બફારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી રહ્યું હતું .જ્યારે લઘુતમ તાપમાન ૨૯.૦ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ ૩૪ કિમી ની ઝડપે રહી હતી. બફારો વધુ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.ગોહિલવાડના લોકો હવે મેઘરાજા પધરામણી કરે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર- જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૮.૮, મહતમ તાપમાન ૩૬.૬, ભેજનું પ્રમાણ ૭૧%, પવનની ગતી ૧૩.૯ કિ.મી. રહી હતી.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
