News of Friday, 14th June 2024
મેટોડાની કંપનીમાં જમીને ઉભા થયા બાદ ૨૦ વર્ષના દર્શિતનું હૃદય બેસી જતાં મોત
મુળ વડીયાનો વતની યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતોઃ ઉમરાણીયા પરિવારમાં અરેરાટીઃ બીજા બનાવમાં સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં મહેસાણાના પ્રોૈઢ ગોૈતમભાઇ સુથારનું હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ તા. ૧૪: હૃદય બેસી જવાની ઘટનાથી મૃત્યુના બનાવો સતત બની રહ્યા છે. વધુ બે બનાવમાં હાર્ટએટેકથી વીસ વર્ષના યુવાન અને એક પ્રોઢની જિંદગીનો અંત આવી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મેટોડામાં ગેઇટ નંબર-૩માં આવેલી શિલ્પન સ્ટીલ પ્લાન્ટ નામની કંપનીમાં નોકરી કરતો દર્શિત પ્રભુદાસભાઇ ઉમરાણીયા (ઉ.વ.૨૦) રાતે નવેક વાગ્યે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણાએ જાણ કરતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી.
દર્શિત ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો. તે મુળ અમરેલીના વડીયાનો વતની હતો અને અહિ મેટોડાની કંપનીમાં નોકરી કરતો હતો. રાતે નવેક વાગ્યે જમીને ઉભો થયો એ સાથે જ ઢળી પડયો હતો અને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
બીજા બનાવમાં રાજકોટના ગોંડલ રોડ પર આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં મુળ મહેસાણાના ગોૈતમકુમાર નારાયણદાસ સુથાર (ઉ.વ.૫૩) નામના પ્રોૈઢ સાંજે વોશ રૂમ જઇને રૂમમાં સેટી પર બેસવા ગયા એ સાથે જ ઢળી પડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
